Site icon Revoi.in

પીપાવાવ પોર્ટ નજીક હાઈવે પર સિંહ પરિવાર લટારમાં નિકળતા વાહનોના પૈડાં થંભી ગયા

Social Share

રાજુલાઃ અમરેલી જિલ્લામાં વનરાજોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જેમાં દરિયાઈ કોસ્ટલ બેલ્ટ વિસ્તાર સિંહોને રહેઠાણ માટે અનુકૂળ આવી ગયો છે, ત્યારે સિંહ પરિવારનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. જેમાં, સિંહ પરિવાર પીપાવાવ પોર્ટ હાઇવે ક્રોસ કરતાં હતા ત્યારે થોડીવાર માટે વાહનોના પૈડાં થંભી ગયા હતા. વાહનચાલકોએ સિંહ પરિવારનો હાઈવે ક્રોસ કરતો વિડિયો ઉતાર્યો હતો.

એક જમાનામાં માત્ર ગીર જંગલોમાં સિંહો જોવા મળતા હતા, પરંતુ સિંહની વસતીમાં વધારો થતાં હવે રેવન્યુ વિસ્તારમાં પણ સિંહો પરિવાર પોતાનું રહેઠાણ બનાવવા લાગ્યા છે. અમરેલી જિલ્લામાં સિંહો રેગ્યુલર જોવા મળે છે. જેમાં રાજુલા તાલુકાના પીપાવાવ પોર્ટ ફોરવે માર્ગ પર 24 કલાક ભારે વાહનોની અવર જવર રહે છે. ત્યારે આ ધમધમતા હાઇવેને સિંહ પરિવારે ક્રોસ કર્યો હતો. રાત્રીના સમયે એક સાથે 4 સિંહો શિકારની શોધમાં હાઇવે ઉપર આવતા ટ્રક ચાલક સિંહને જોઇ ધીરે ધીરે જઇ રહ્યો છે, ત્યારે સામેથી બાઇક ચાલક આવી જતા ઓચિંતા સિંહોને જોઇ બાઇક ચાલકે તુરંત જ યુટર્ન મારી દીધો હતો. જોકે સિંહોએ કોઈ હુમલાનો પ્રયાસ કર્યો ન હતો.

અમરેલી જિલ્લો સિહોને રહેઠાણ માટે અનુકૂળ આવી ગયો હોય રાજુલા, સાવરકૂંડલા, અને છેક ધારી સુધી સિંહ પરિવારે વસવાટ શરૂ કર્યો છે. વાડી-ખેતરોમાં લટાર મારતા સિંહ અવાર-નવાર જોવા મળતા હોય છે. લોકો પણ સિંહને કોઈ ખલેલ પહોંચે નહીં એનું ખાસ ધ્યાન રાખતા હોય છે. સાથે જ વન વિભાગ દ્વારા પણ સિહના રક્ષણ માટે પુરતી તકેદારી રાખવામાં આવે છે. ખાસ કરીને રાજુલાના કોસ્ટલ બેલ્ટ વિસ્તાર તેમજ શેત્રંજીના પટમાં સિંહ વધુ જોવા મળી રહ્યા છે.