અમદાવાદઃ ગુજરાતના તમામ શહેરોમાં રખડતા ઢોર સામે ઝૂંબેશ ચલાવવામાં આવી રહી છે. રખડતા ઢોર સામે નવી પોલીસી બનાવવામાં આવી છે. તેથી હવે શહેરી વિસ્તારના માલધારીઓ માટે મુશ્કેલીઓ ઊભી થઈ છે. બીજી બાજુ ગામડાંઓમાં ગૌચરની જમીનો રહી નથી. આથી ગાંમડાઓમાં માલ-ઢોરને ચરાવવા માટે ક્યાં લઈ જવો તે મોટો પ્રશ્ન છે. આથી ગૌચરની જમીનના મુદ્દે માલધારીઓ આજે શુક્રવારથી સરકાર સામે લડતનો પ્રારંભ કરશે. અમદાવાદના બાપુનગરમાં આજે માલધારીઓની બેઠક મળશે.
માલધારી એકતા સમાજના પ્રમુખ નાગજી દેસાઈએ જણાવ્યું હતું કે માલધારી સમાજની લડત ચાલુ થવાની છે, એમાં આ લડત રખડતાં પશુઓની નથી. નિર્દોષ લોકોનો અકસ્માતમાં જીવ જાય કે ઈજા થાય અને રોડ પર પશુઓ આવતાં હોય એની નથી, પણ આ લડત બે પગવાળા આખલા શોધવાની છે, જેમને ડબ્બામાં પુરવા જરૂરી છે, તેઓ ગૌચરની જમીન ગળી ગયા છે. સમગ્ર ગુજરાતમાં જે ગૌશાળા અને કેટલીક ગૌચરની જમીનોને દબાવીને કેટલાક લોકો બેસી ગયા છે તેમને ખુલ્લા પાડીશું. આજે શુક્રવારે સવારે 10 વાગ્યે અમદાવાદના બાપુનગર વિસ્તારમાં ભીડભંજન હનુમાન મંદિર પાસે આશરે 2000 જેટલા માલધારીઓ ભેગા થશે. બે પગવાળા આખલા એટલે કે જે લોકો ગૌચરની જમીન દબાવીને બેઠા છે તેમને સરકાર શોધી શકી નથી. તેમને માલધારીઓ શોધીને સરકારને જાણ કરીશું, આવા અલગ અલગ કાર્યક્રમો અંગેની જાહેરાત કરવામાં આવશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઢોર નિયંત્રક નવી પોલિસીમાં બેધારી નીતિ છે, જેમાં દસ્તાવેજ હોય તો જ પશુ રાખવા મળે, નહીં તો ન મળે એવો ઉલ્લેખ છે. ગુજરાત સરકારની બેધારી નીતિ છે, તેમને ખુલ્લી પાડવાનું કામ અમે કરીશું. નિયમ મુજબ, જો ગાયો રાખવા માટે પોતાની જગ્યા હોવી જોઈએ. એ અંગેના પુરાવા રજૂ કરવાનું કહેવામાં આવ્યુ છે. વર્ષોથી ગાંમડાંઓમાં ગૌચરની જમીનો હતો. પણ સરકારે ગૌચરની કિંમતી જમીનો લીઝ પર મફતમાં કંપનીઓને આપી દીધી છે. એટલે ગામડાંઓમાં માલઢોરને ચરાવવા માટે ક્યા લઈ જવા તે મોટો પ્રશ્ન છે. (File photo)