જમ્મુ કાશ્મીર મુદ્દે યુએનના અધ્યક્ષે કર્યું પાકિસ્તાને સમર્થન, ભારતે આપ્યો આ જવાબ
દિલ્લી: જમ્મુ અને કાશ્મીર મુદ્દે ભારત અને પાકિસ્તાન વચ્ચે હંમેશા એક રાજકીય અંતર રહ્યું છે. પાકિસ્તાન દ્વારા જમ્મુ કાશ્મીરના મુદ્દાને લઈને ભારતને અનેકવાર બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે પરંતુ ભારતે પણ હંમેશા પાકિસ્તાનને વળતા જવાબ આપ્યા છે. હવે આવામાં વાત આવે છે યુએનના અધ્યક્ષની કે જેમણે જમ્મુ કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને સમર્થન કર્યું છે અને ભારતે ફરીવાર આ બાબતે વળતો જવાબ આપ્યો છે.
જમ્મુ કાશ્મીરને લઈને સંયુક્ત રાષ્ટ્રના અધ્યક્ષ વોલ્કન બોજકિર દ્વારા કરવામાં આવેલા નિવેદન બાદ ભારેતે જવાબ આપ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના અધ્યક્ષ વોલ્કન બોજકિરે જમ્મુ કાશ્મીર બાબતે ટિપ્પણી કરી હતી કે “જમ્મુ કાશ્મીરના મુદ્દાને વધુ મજબુતીથી UNમાં લાવવો પાકિસ્તાનનું કર્તવ્ય છે.”
જો કે મહત્વની વાત એક છે કે પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરેશી અને બોજકિર ગુરુવારે ઇસ્લામાબાદમાં એક પત્રકાર પરિષદમાં સાથે જોવા મળ્યા હતા. આ પરિષદમાં ટિપ્પણી કરતા તેમણે કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરના મુદ્દાને સંયુક્ત રાષ્ટ્રમાં વધુ મજબુતપણે લાવવું એ ‘પાકિસ્તાનની ફરજ’ છે. જેને લઈને હવે ભારત સરકારે પણ જવાબ આપ્યો છે.
ભારતના વિદેશ મંત્રાલય દ્વારા આ બાબતે જવાબ આપવામાં આવ્યો કે તેમની ટિપ્પણીનો “અસ્વીકાર” કરવામાં આવ્યો છે અને ભારતના કેન્દ્ર શાસિત પ્રદેશને લઈને તેમનો સંદર્ભ “અયોગ્ય” છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ આ મુદ્દે મીડિયા સવાલના જવાબમાં કહ્યું, “જ્યારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના વર્તમાન અધ્યક્ષ ભ્રામક અને પૂર્વગ્રહપૂર્ણથી ગ્રહિત ટિપ્પણી કરે છે, ત્યારે તે તેમના પદને મોટું નુકસાન પહોંચાડે છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના અધ્યક્ષની વર્તણૂક ખરેખર અફસોસનીય છે અને તે ચોક્કસપણે વૈશ્વિક મંચ પરની તેમની સ્થિતિને નુકસાન પહોંચાડે છે.”