અમદાવાદઃ પ્રદેશ કોંગ્રેસમાં પ્રભારીની જગ્યા ખાલી છે. પ્રદેશ પ્રમુખ અને વિધાનસભા વિપક્ષના નેતાના નામની પણ જુથબંધીને લીધે પસંદગી થઈ શક્તી નથી. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તો વિપક્ષના નેતા જ નક્કી કરી શકાતા નથી. આગામી તા. 5 ઓગસ્ટના રોજ યોજાનારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કૂલ બોર્ડની ચૂંટણીમાં કોંગ્રેસના કેટલાક કાઉન્સિલરો ક્રોસ વોટિંગ કરે તેવી પુરી શકયતા છે. જેનું મુખ્ય કારણ વિપક્ષ પદના નેતા નક્કી કરવામાં આવ્યા નથી. વિપક્ષ નેતા પદને લઇ કોંગ્રેસના જ બે જૂથ આમને સામને આવી ગયા છે. એક જૂથના 15 કાઉન્સિલરોએ પોતાની સહી સાથે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને પત્ર લખી રજૂઆત કરી છે કે યુવા કાઉન્સિલરને વિપક્ષ નેતા તરીકે બેસાડવામાં આવશે તો અમે રાજીનામાં આપી દઈશું.
સુત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષ પદ માટે હવે આંતરીક જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો છે, અને આગામી કોર્પોરેશનની સ્કૂલબોર્ડની ચૂંટણીમાં તેનો પડઘો પડી શકે છે. કોંગ્રેસના ધારાસભ્યોની જેમ હવે કોંગ્રેસના કાઉન્સિલરો પણ આગામી દિવસોમાં રાજીનામું આપી શકે છે. કોંગ્રેસના અમદાવાદના 15 કાઉન્સિલરો દ્વારા પ્રદેશ પ્રમુખને પત્ર લખી જાણ કરી છે કે કોંગ્રેસના યુવા કાઉન્સિરને વિપક્ષ નેતાનું પદ આપવામાં આવે નહી. 24 કાઉન્સિલરમાંથી 23માંથી કોઈપણ કાઉન્સિલર બનશે તો વાંધો નહિ પરંતુ તેમને વિપક્ષના નેતા ન બનાવવા રજુઆત કરાઇ છે.
5 ઓગસ્ટના રોજ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે કિરણ ઓઝાને ઉભા રાખવામાં આવ્યા છે. ચૂંટણી જીતવા માટે 16 જેટલા કાઉન્સિલરોના મત જોઇએ. વિપક્ષ પદના નેતાને લઈ કેટલાક કાઉન્સિલરોએ રાજીનામાની ચીમકી ઉચ્ચારતા કોંગ્રેસમાં દોડધામ મચી ગઇ છે. જો કોંગ્રેસના કેટલાક કાઉન્સિલરો મત નહી આપે અને ક્રોસ વોટીંગ કરશે તો સ્કૂલ બોર્ડની ચૂંટણીમાં AIMIMને ફાયદો થશે. સ્કૂલબોર્ડમાં 12 સભ્યો માટે ભાજપે 11 સભ્યો મેદાનમાં ઉતાર્યા છે. તો બીજી તરફ કોંગ્રેસે 1 અને એઆઇએમઆઇએમએ 1 સભ્યને ઉતાર્યા છે, જેમાં જનરલની 8 બેઠકો માટે 9 જેટલાં ફોર્મ આવ્યા હોવાથી રસાકસીની શક્યતા છે. ભાજપ તરફે ભરાયેલા 11 ફોર્મમાં સ્કૂલબોર્ડના ચેરમેનપદે વિપુલ સેવકની નિમણૂકની શક્યતા જોવાઇ રહી છે,
જ્યારે મ્યુનિ. સંચાલિત સ્કૂલબોર્ડમાં 12 સભ્યોની નિમણૂક માટે આગામી 5મી ઓગસ્ટે મતદાન થનાર છે. કોંગ્રેસ,એઆઇએમઆઇએમ બંનેએ પોતાના ઉમેદવાર ઊભા રાખતાં આખરે ચૂંટણીમાં રસાકસીની શક્યતા છે. એઆઇએમઆઇએમના પ્રમુખ શાબિર કાબલીવાલાએ કોર્પોરેશનમાં પોતાના 7 સભ્યો હોવા છતાં એક ઉમેદવાર ઉભો રાખીને કોંગ્રેસની આંતરિક રાજનીતિને ગરમાવો આપ્યો છે.