વિઝા બેકલોગ મુદ્દે વિદેશમંત્રી એસ જયશંકરે કહ્યું-ભારતીય વિદ્યાર્થીઓ ટૂંક સમયમાં ઓસ્ટ્રેલિયા પરત ફરી શકશે
દિલ્હી:ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે.આ દરમિયાન તેમણે ઓસ્ટ્રેલિયન ઓથોરિટી સમક્ષ વિઝા બેકલોગ, ખાસ કરીને સ્ટુડન્ટ વિઝાનો મુદ્દો ઉઠાવ્યો હતો.કોરોના મહામારીને કારણે ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરવા ગયેલા વિદ્યાર્થીઓને ઘરે પરત ફરવું પડ્યું હતું અને ત્યારથી તેઓ તેમના આગળના અભ્યાસ માટે પાછા જઈ શક્યા નથી.ઓસ્ટ્રેલિયાએ કહ્યું કે આ વર્ષના અંત સુધીમાં આ સમસ્યાનો ઉકેલ આવી જશે.ઓસ્ટ્રેલિયાના બે દિવસીય પ્રવાસ પર ગયેલા વિદેશ મંત્રીએ ભારતીય સમુદાયને સંબોધિત કરતા આ માહિતી આપી હતી.વિદેશ મંત્રી જયશંકરે કહ્યું કે તેમણે આ મુદ્દાઓ વિવિધ મંત્રીઓ સાથે ઉઠાવ્યા છે.
તેમણે કહ્યું કે,” અમારા મુદ્દાઓ સમાન છે કે, વિદ્યાર્થીઓ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે,” વિદેશ મંત્રીએ કહ્યું કે તેમને ખાતરી કરવામાં આવી છે કે સમસ્યાઓમાં થોડો સુધારો થયો છે અને લગભગ 77,000 ભારતીય વિદ્યાર્થીઓ તેમના આગળના અભ્યાસ માટે ઓસ્ટ્રેલિયા પરત ફર્યા છે.વિદેશ મંત્રી જયશંકરે કહ્યું, જો કે વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોઈ શકે છે અને ઓસ્ટ્રેલિયન ઓથોરિટીએ કહ્યું છે કે,આ વર્ષના અંત સુધીમાં આ સમસ્યાનો ઉકેલ આવી જશે.
વિદેશ મંત્રીએ કહ્યું કે આ મામલો માત્ર વિદ્યાર્થીઓનો નથી, લોકો પરિવારને મળવા ઓસ્ટ્રેલિયા પણ જવા માંગે છે, અને ઓસ્ટ્રેલિયાના પ્રવાસને ફરીથી શરૂ કરવાના નિર્ણયની પણ પ્રશંસા કરી. ઓસ્ટ્રેલિયામાં ભારતીયોની સંખ્યા સતત વધી રહી છે અને ભારતના સ્કિલ્ડ વર્કર્સની આયાત પણ વધી રહી છે.રિપોર્ટ અનુસાર ઓસ્ટ્રેલિયામાં સાત લાખ ભારતીયો રહે છે.ઓસ્ટ્રેલિયા માટે ભારત કુશળ કામદારોનો સૌથી મોટો સ્ત્રોત છે. હાલમાં 105,000 ભારતીય વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરી રહ્યા છે. 2020 માં, ભારત બ્રિટન પછી ઓસ્ટ્રેલિયામાં સ્થળાંતરની દ્રષ્ટિએ બીજા ક્રમે છે.