Site icon Revoi.in

ધનતેરસ નિમિત્તે લોકોએ સોના-ચાંદી સહિત 60 હજાર કરોડની કરી ખરીદી

Social Share

નવી દિલ્હીઃ દેશમાં દિવાળીના તહેવારનો પ્રારંભ થઈ ચુક્યો છે દરમિયાન ધનતેરસના દિવસે દેશવાસીઓએ દિલ ખોલીને સોનુ-ચાંદી અને વાહનોની ખરીદી કરી હતી. કન્ફેડરેશન ઓલ ઈન્ડિયા ટ્રડર્સ (કૈટ) અનુસાર, આ વર્ષે ધનતેરસે લગભગ 60 હજાર કરોડનો વેપાર થયાનો અંદાજ છે. ગયા વર્ષે લગભગ 50 હજાર કરોડનો વેપાર થયો હતો. જેની સરખામણીએ ચાલુ વર્ષે 20 ટકાનો વધારો થયો છે.

ઓલ ઈન્ડિયા જ્વેલર્સ એન્ડ ગોલ્ડસ્મિથ ફેડરેશનના રાષ્ટ્રીય પંકજ અરોરાએ જણાવ્યું હતું કે, કિંમતમાં તેજી છતા આ ધનતેરસ પર સોનું અને ચાંદીની ધૂમ ખરીદી થઈ છે. દેશમાં લગભગ 20 હજાર કરોડનું સોનું અને 2500 કરોડની ચાંદીની ખરીદી થઈ છે. લગભગ 25 ટન સોનાનું વેચાણ થયું છે. જેની કિંમત લગભગ 20 હજાર કરોડ રૂપિયા છે. આ જ રીતે દેશભરમાં 250 ટન ચાંદીનું વેચાણ થયું છે જેની કિંમત 2500 કરોડ જેટલી છે.બજાર ઉપર વોકલ ફોર લોકલની અસર પણ જોવા મળે છે. ચાઈનીઝ સામાનની ખરીદી ઘટી છે. મોટાભાગના લોકો ભારતીય વસ્તુઓ પસંદ કરી રહ્યાં છે. દિવાળી સાથે જોડાયેલી ચાઈનીઝ વસ્તુઓના વેચાણમાં ઘટાડાને પગલે ચીનને 1.25 લાખ કરોડનું નુકશાન થયું છે.

ધનતેરસ ઉપર ટુ-વ્હીલર વાહનોના વેચાણમાં 25 ટકાનો વધારો થયો છે. આ ઉપરાંત કારના વેચાણમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. આવી જ રીતે ફ્રિજ, ટીવી, વોશિંગ મશીન અને સ્માર્ટફોનના વેચાણમાં 20થી 30 ટકાનો વધારો થયો છે. રિયલ એસ્ટેટમાં લોકોએ ખરીદી કરી છે. મકાનોના વેચાણમાં ગયા વર્ષની સરખામણીએ પાંચથી 20 ટકાનો વધારો થયો છે. આમ ચાલુ વર્ષે ધનતેસરના પર્વ પર લોકોએ રૂ. 60000 કરોડની ખરીદી કરી હતી. જ્યારે વર્ષ 2023માં રૂ. 50000 કરોડ અને વર્ષ 2022માં દેશવાસીઓએ 35 હજાર કરોડની ખરીદી કરી હતી.