Site icon Revoi.in

મકરસંક્રાંતિના પર્વ નિમિત્તે પશુઓને લીલો નહીં પણ સુકો ઘાસચારો ખવડાવવા અપીલ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં આવતી કાલે શનિવારે મકરસંક્રાંતિ યાને ઉત્તરાણનું પર્વ છે. ઉત્તરાયણ પર્વમાં દાન-પુણ્ય કરવાનું વિશેષ મહાત્મ્ય છે. ઘણાબધા શ્રદ્ધાળુઓ મંદિરોમાં દર્શન કર્યા બાદ ગરીબ પરિવારોને કપડાનું દાન તેમજ ગાયોને ઘાસ ખવડાવતા હોય છે. ત્યારે રાજ્યના પશુપાલન વિભાગે અપીલ કરી છે. કે, પશુઓને ગોળ, લાડુ, અનાજ અને લીલો ઘાસચારો ખવડાવવો નહી. તેનાથી પશુઓને આફરો ચડવાથી મોત થતું હોય છે. પશુઓને લીલાને બદલે સુકો ઘાસચારો ખવડાવવા અપીલ કરી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ઉત્તરાણના દિને  દાન અને પુણ્યનું વિશેષ મહાત્મ્ય રહેલું છે. તેમાં તહેવારોમાં લોકો પૂણ્યનું ભાથુ બાંધવા માટે દાન કરતા હોય છે. જેમાં પશુઓને લીલા ઘાસની સાથે સાથે કૂતરા અને પશુઓને લાડવા, ગોળ, શીરો તેમજ ઘઉંની ઘુઘરી ખવડાવવામાં આવતી હોય છે. જોકે પશુઓનો રોજિંદો ખોરાક અપાતો નહી હોવાથી અપચો, આફરો, એસીડોસીસની તકલીફ થાય છે. ઉપરાંત આફરો ચડવાથી પશુને શ્વાસોશ્વાસમાં તકલીફ પડવાથી તેનું મોત થતું હોય છે. આથી ઉત્તરાયણમાં પુણ્ય કરવાને બદલે અજાણતા પાપ થઇ જતું હોય છે. ત્યારે પશુઓનું મૃત્યુ થાય નહી તે માટે શ્રદ્ધાળુંઓએ ઉત્તરાયણ પર્વના દિવસે પશુઓને સૂકો ઘાસચારો ખવડાવવાની પશુપાલન વિભાગે અપીલ કરી છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, ઉત્તરાયણ પર્વમાં આકાશમાં ઉડતી પતંગને દોરીથી કાપવામાં આવે છે. પરંતુ તેની સાથે સાથે આકાશમાં વિરહતા અબોલ પક્ષીઓ ઘાયલ થતા હોય છે.  ઉપરાંત પતંગની દોરીથી કૂતરા, વાંદરા સહિતના પશુઓ પણ ઘાયલ થતાં હોય છે. ત્યારે પક્ષીઓ કે પશુઓ ઘાયલ થયેલા જોવા મળે કે જીવદયા સંસ્થાનો સંપર્ક કરવો જોઈએ. ઉત્તરાયણ પર્વના દિવસે પતંગ ચગાવવા માટે પ્લાસ્ટિકની દોરી, ચાઇનીઝ દોરી કે વધારે કાચ પાયેલી દોરીનો ઉપયોગ ટાળવો. સવારે 9 કલાક પહેલાં અને સાંજે 5 કલાક પછી પતંગ ચગાવવી નહી. ઘાયલ પક્ષીઓ અને પશુઓને સમયસર રેસ્ક્યૂ સેન્ટર ઉપર પહોંચાડીને પૂણ્યના સહભાગી થવા પણ લોકોને અપીલ કરવામાં આવી  છે.