નવી દિલ્હીઃ રામ નવમી પર્વને લઈને દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુજી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના આગેવાનોએ દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી હતી. સમગ્ર દેશમાં આજે રામ નવમી પર્વની ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવી રહી છે.
ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી. દ્રૌપદી મુર્મૂએ રામ નવમીની પૂર્વ સંધ્યાએ તમામ સાથી નાગરિકોને તેમની શુભેચ્છાઓ પાઠવી હતી. એક સંદેશમાં, રાષ્ટ્રપતિએ કહ્યું છે કે “રામ નવમીના શુભ અવસર પર, હું તમામ સાથી નાગરિકોને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ આપું છું. ભગવાન શ્રી રામના જન્મના શુભ અવસર પર ઉજવાતી રામ નવમી આપણને સત્ય અને સદાચારના માર્ગ પર માર્ગદર્શન આપે છે.
મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામ નમ્રતા, મનોબળ અને વીરતાના આદર્શ છે. ભગવાન શ્રી રામે નિઃસ્વાર્થ સેવા, મિત્રતા અને તેમના વચન પ્રત્યે અતૂટ પ્રતિબદ્ધતાના સર્વોચ્ચ ધોરણો સ્થાપિત કર્યા. રામ નવમીનો તહેવાર એ આપણા શાશ્વત મૂલ્યો પર ચિંતન કરવાનો અવસર પણ છે. ચાલો આપણે ભગવાન શ્રી રામના મૂલ્યોને આત્મસાત કરીએ અને એક એવા રાષ્ટ્રનું નિર્માણ કરવાનો સંકલ્પ કરીએ કે જ્યાં રામ રાજ્યની સંકલ્પના અનુસાર દરેક વ્યક્તિ સન્માન સાથે જીવે અને દરેકના જીવનમાં વિકાસનો પ્રવાહ વહેતો રહે.”