Site icon Revoi.in

જુની પેન્શન યોજનાના પ્રશ્ને ગાંધીનગરમાં કર્મચારીઓએ રેલી યોજીને નારા લગાવ્યાં

Social Share

ગાંધીનગરઃ રાજ્ય સરકારના કર્મચારીઓ સંગઠનના અગ્રણીઓ અને સરકાર વચ્ચે પડતર પ્રશ્નોના મામલે સમાધાન થઈ થયાની જાહેરાત બાદ પણ કર્મચારીઓમાં હજુપણ અસંતોષ જોવા મળી રહ્યો છે. વર્ષ 2005 બાદ ભરતી થયેલા કર્મચારીઓને જુની પેન્શન યોજનાનો લાભ ન અપાતા કર્મચારીઓ હવે તેમના સંગઠનના નેતાઓ સામે જ આક્ષેપ કરી રહ્યા છે. દરમિયાન ગાંધીનગરમાં જુના સચિવાલયના કેમ્પસમાં કર્મચારીઓએ રેલી યોજીને જુની પેન્શન યોજના લાગુ કરવાની માગ કરીને સૂત્રોચ્ચાર કર્યો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ પાટનગર ગાંધીનગરમાં આંદોલનની મોસમ ચાલી રહી છે. કર્મચારીઓ, પૂર્વ સેનાના જવાનો, વિદ્યાસહાયકની ભરતી માટે બેરોજગાર યુવાનો, અને ખેડુતો આંદોલન કરી રહ્યા છે. જોકે રાજ્યના કર્મચારી યુનિયનના નેતાઓ સાથે વાટઘાટો કરીને સરકારે સમધાન કરી લેતા કર્મચારીઓમાં આંદોલનના મામલે બે ભાગ પડી ગયા છે. રાજ્યના અનેક શિક્ષકોએ શનિવારે માસ સીએલ પર ઊતરી ગયા હતા.. આગેવાનોએ કરેલા સમાધાનથી શિક્ષકોમાં નારાજગી જોવા મળી રહી છે. દરમિયાન ગાંધીનગર જૂના સચિવાલય પર મોટી સંખ્યામાં કર્મચારીઓ એકઠા થયા હતા.અને  જૂની પેન્શન યોજના લાગુ કરવાના નારા લગાવ્યા હતા.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયામાં શિક્ષકો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. સરકાર સાથેની મંત્રણા પછી પણ જૂની પેન્શન યોજનાને લઈને વિરોધ યથાવત્ છે. બીજી તરફ શુક્રવારે નક્કી થયેલી ફોર્મ્યુલા મુજબનો જેમને કોઇ લાભ મળવાનો નથી એમાં પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓ, વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર(વીસીઈ), કોન્ટ્રેક્ટ-આઉટસોર્સિંગ કર્મચારીઓ, ભારતીય કિસાન સંઘ, પૂર્વ સૈનિકો વિગેરેનો સમાવેશ થાય છે. ગાંધીનગર સેન્ટ્રલ વિસ્ટા ખાતે પંચાયતના આરોગ્ય કર્મચારીઓ ધરણાં પર બેઠા છે. દરમિયાન રાજ્ય સરકારની વિવિધ કચેરીઓમાં આઉટસોર્સિંગ, ફિક્સ પગાર અને કોન્ટ્રેક્ટ બેઝ પર કામ કરતા કર્મચારીઓના સંગઠન ગુજરાત જનતા જાગૃતિ મંચે પણ લડતનો પ્રારંભ કર્યો છે. જ્યારે વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર (વીસીઇ) સંગઠના કર્મચારીઓનું આંદોલન સતત નવમા દિવસે પણ ચાલુ છે. શનિવારે ગુજરાતના દરેક જિલ્લામાં તેઓ ભજન અને રામધૂનના કાર્યક્રમો યોજાયા હતા. આ ઉપરાંત નગરપાલિકાના કર્મચારી સંગઠન દ્વારા પણ તેમના પ્રશ્નોનો ઉકેલ ના આવે તો ઉગ્ર આંદોલન શરૂ કરવાની ચીમકી આપી છે.