Site icon Revoi.in

સોમનાથ-ભાવનગર હાઈવે પર રાત્રે સિંહની લટારથી વાહનો થંભી ગયા

Social Share

અમરેલીઃ જિલ્લામાં સિંહની વસતીમાં વધારો થયો છે. જેમાં રાજુલા અને જાફરાબાદ વિસ્તાર સિંહોને ખૂબ ગમી ગયો હોય તેમ આ વિસ્તારમાં સિંહ પરિવારે ધામા નાંખ્યા છે. સીમ-ખેતરો અને વાડીમાં તેમજ ગામના પાદર સુધી સિંહ પરિવાર શિકારની શોધમાં આવી જતા હોય છે. હવે ભાવનગર-સોમનાથ હાઈવે પર રાતના સમયે સિંહ પરિવાર લટાર મારવા નિકળતા વાહનો થંભી ગયા હતા. કેટલાક વાહનચાલકોએ વિડિયો ઉતારીને સોશ્યલ મિડિયામાં વાયરલ કર્યો હતો.

અમરેલી જિલ્લામાં રાજુલા જાફરાબાદ પંથકમાં સિંહો ખુલ્લેઆમ ફરી રહ્યા છે, જેમાં હાઇવે ઉપર ફરતા સાવજો ઉપર જોખમી રીતે ફરી રહ્યા છે વિડીયો રોજ બરોજ સામે આવી રહ્યા છે. રાજુલા જાફરાબાદ વિસ્તારમાંથી પસાર થતા ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે ઉપર રાજુલાના ચારનાળા વિસ્તારથી કાગવદર સુધી સિંહો રોજિંદા માર્ગ ક્રોસ કરી કહ્યા છે. જેના વીડિયો વાયરલ થયો હતો. જેમા 2 સિંહો રોડ ઉપર આવી ડીવાયડર ઉપર ફરી રહ્યા છે. વાહન ચાલકો ઓચિંતા દ્રશ્યો જોઇ થભી ગયા હતા, વાહન ચાલકો દ્વારા વીડિયો ઉતારાયો હતો. જોકે વાહનચાલકો દ્વારા સિંહને કોઈ ખલેલ ન પડે એનું ધ્યાન રખાયું હતું.

ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે ઉપર સૌથી વધુ વાહનો રાત દિવસ 24 કલાક અહીં દોડી રહ્યા છે. અગાઉ ભૂતકાળમાં અનેક સિંહો સહિત વન્યપ્રાણીના વાહનોની હડફેટે મોત થઇ ચુક્યા છે ત્યારે ફરીવાર દુર્ઘટના ન સર્જાય તે માટે વન વિભાગ દ્વારા તકેદારી રાખવી જરૂરી બની છે. બે દિવસ પહેલા રાજુલા તાલુકાના કોવાયા ગામના રોડ ઉપર અને એક રહેણાંક મકાનમાં સિંહો ઘુસ્યા હતા. રાત્રીના સમયે બંધ મકાન હોવાને કારણે સિંહો બહાર પટાંગણમાં ફરી રહ્યા હતા સ્થાનિક લોકોએ વીડિયો ઉતારતા સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો.