અમદાવાદઃ કોરોનાના બીજા સંક્રમણ પહેલા એટલે કે દિવાળી બાદ ડિઝલના ભાવ આસમાને પહોંચતા ટ્રક ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને મોટો ફટકો પડ્યો હતો. જેની કળ વળી ન હતી. ત્યાં જ કોરોનાનું બીજૂં સંક્રમણ ફેલાતા અને વેપારીઓએ સ્વયંભૂ લોકડાઉન રાખતા ફરીવાર ટ્રક-ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ ભાગી પડ્યો છે. અને એક અંદાજ મુજબ ગુજરાતના ટ્રક-ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને રોજનું 50 કરોડનું નુકશાન થઈ રહ્યુ છે.
ગુજરાતમાં કોરોનાના સંક્રમણને કારણે અનેક રાજ્યોએ મીની લોકડાઉન અથવા તો પૂર્ણ લોકડાઉન લાદી દીધું છે. આ પરિસ્થિતિમાં ટ્રાન્સપોર્ટ કારોબાર ખુબ જ મોટા નુકસાનમાંથી પસાર થઇ રહ્યો છે. નાના મોટા લાખો ટ્રકના પૈડાં થંભી ગયા છે અને હવે કોરોનાની પરિસ્થિતિ ક્યારે સુધરશે તે કહેવું પણ મુશ્કેલ ખૂબ છે. ગુજરાતમાં રોજનું કરોડો રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે. ગુજરાત ટ્રાન્સપોર્ટ એસોસિએશનના સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં રજિસ્ટર થયેલા મોટા ટ્રકની સંખ્યા 4.50 લાખ છે અને આઇશર, ટેમ્પો જેવા નાના ટ્રકની સંખ્યા ત્રણથી સાડા ત્રણ લાખ જેટલી થાય છે. હાલ મોટાભાગના રાજ્યોએ મીની લોકડાઉન અથવા તો પૂર્ણ લોકડાઉન લાદ્યું છે તેવામાં કુલ ટ્રાન્સપોર્ટેશનમાંથી કમ સે કમ 30 ટકા ટ્રાન્સપોર્ટ બંધ છે. મતલબ કે અઢી લાખ જેટલા નાના મોટા ટ્રક બંધ થઇ ગયા છે. જેથી દરરોજનું કરોડો રૂપિયાનું નુકસાન માત્ર ગુજરાતને થઇ રહ્યું છે. ડ્રાયવર-ક્લિનરનો રોજનો ખર્ચ રૂ. 1500 આસપાસ થાય છે. હાલ અઢી લાખ જેટલા નાના મોટા ટ્રક બંધ પડી ગયા છે, રૂ. 37 થી 38 કરોડ જેટલું ટ્રાન્સપોર્ટરોને રોજનું ગુજરાતમાં નુકસાન થાય છે. ઉપરાંત બેંક લોનનું વ્યાજ, અને ઇન્વેસ્ટમેન્ટ કોસ્ટ ગણીએ તો દર ટ્રકે તેના ઉપર કમ સે કમ રોજનું રુ. 300 થી 600 રૂપિયાનું નુકસાન થાય છે. હાલ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ મુશ્કેલીમાંથી પસાર થઇ રહ્યો છે. અગાઉ જીએસટીના કારણે તો પરેશાની હતી જ અને હવે એક વર્ષથી વધારે સમયથી કોરોના પરેશાની હોવાના કારણે આ ઉદ્યોગ વધુ મુશ્કેલીમાં આવી ગયો છે.