Site icon Revoi.in

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં રવિવારે દાઢ લાખ યાત્રાળુઓ ઉમટી પડ્યાઃ માસ્ક વિનાના ભાવિકો જોવા મળ્યા

Social Share

 

વડોદરાઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતાં સરકારે નિયંત્રણો હળવા કરતા તમામ મંદિરો ભાવિકોના દર્શન માટે ખૂલી ગયા છે, જેમાં આજે રવિવાર જાહેર રજાનો દિવસ હોવાથી મોટી સંખ્યામાં ભાવિકો યાત્રાધામ પાવાગઢમાં ઉમટી પડ્યા હતા. આશરે દોઢ લાખ જેટલા ભાવિકો એકઠા થઈ જતાં સોશ્યલ ડિસ્ટન્સના ઘજીયા ઉડ્યા હતા. મોટાભાગના યાત્રિકા માસ્ક પહેર્યા વિનાના જોવા મળ્યા હતા.

યાત્રાધામ પાવાગઢમાં આજે રવિવારે દોઢ લાખ જેટલા યાત્રાળુઓ ઉમટી પડ્યા હતા. જેને પગલે ઠેર-ઠેર ટ્રાફિકજામ સાથે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા સોશિયલ ડિસ્ટન્સ જળવાયું નહોતુ અને કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપતા દ્રશ્યો જોવા મળ્યા હતા. આટલી મોટી સંખ્યામાં ભક્તો મહાકાળી માતાના દર્શને ઉમટી પડતા તંત્ર પણ અવઢવમાં મૂકાઇ ગયું હતું. બીજી તરફ તળેટીથી માચી જવા ST બસની સુવિધા ન હોવાથી યાત્રાળુઓને બસ કરતા 6 ઘણુ ભાડું આપીને ખાનગી જીપોમાં જીવના જોખમે મુસાફરી કરવાનો વારો આવ્યો હતો. ST બસમાં મુસાફર દીઠ માત્ર 8 રૂપિયા ભાડું છે, જ્યારે ખાનગી જીપ ચાલકો 50 રૂપિયા ભાડું વસૂલે છે.

કોરોનાની સંભવિત ત્રીજી લહેર પહેલા જ પાવાગઢમાં આટલી મોટી સંખ્યામાં યાત્રાળુઓ ઉમટી પડતા તંત્ર માટે મોટી ચિંતાનો વિષય બન્યો છે. કોરોનાના ડર વગર હજારોની સંખ્યામાં લોકો માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરતા જોવા મળ્યા હતા. આજે રવિવારને લઇને મોટી સંખ્યામાં ઉમટેલા યાત્રાળુઓમાં 7 હજારથી વધુ લોકોએ રોપ-વે સેવાનો લાભ લીધો હતો. છેલ્લા 6 મહિના બાદ પહેલી વખત આટલી મોટી સંખ્યામાં યાત્રાળુઓ પાવાગઢમાં ઉમટી પડ્યા હતા. પાવાગઢ આવતા યાત્રાળુઓની સુખ સુવિધાઓ માટે સરકાર દ્વારા કરોડો રૂપિયા ફાળવ્યા છે, તેમ છતાં તેમ છતાં તંત્રના અણઘડ વહીવટને લઇને યાત્રાળુઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.