નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર દ્વારા દરેક ઘર સુધી નળથી પાણી પહોંચે તે માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન 2019થી અત્યાર સુધીમાં 9.40 કરોડ સુધી નળથી પાણી પહોંચાડવામાં આવ્યું છે. આઝાદી બાદ વર્ષ 2019 સુધીમાં 3.23 લાખ સુધી લોકોના ઘર સુધી પાણી પહોંચ્યું હતું. દરમિયાન લોકોને નળ મારફતે ઘરે જ પાણી મળી રહે તે માટે 2019થી જળ જીવન મિશન શરૂ કરવામાં આવ્યું છે.
સુત્રોના જણાવ્યા અનુસાર અત્યાર સુધી 107 જિલ્લાના દોઢ લાખ ગામ હર ઘર જળ સમ્પન્ન બન્યાં છે. 11.39 લાખ સ્કૂલ અને આંગણવાડી કેન્દ્રોમાં નળ મારફતે પાણી પુરુ પાડવામાં આવ્યું છે. પાણીની ગુણવતા તપાસવા માટે સમગ્ર દેશમાં 9.69 લાખ ગ્રામીણ મહિલાને તાલીમ આપવામાં આવી છે. જેથી સાત લાખથી વધારે કુશલ અને અકુશળ શ્રમિકો માટે ગામમાં રોજગારીની તકો ઉભી કરાઈ છે. ચાર લાખથી વધારે ગામમાં સ્થાનિક સ્તર પર જ પાણીની તપાસની સુવિધા ઉભી કરાઈ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે જલ જીવન મિશન આજે દેશના વિકાસને નવી ગતિ આપી રહ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે છેલ્લા 3 વર્ષથી ઓછા સમયમાં કરોડોના ઘર સુધી પાણી પહોંચી ગયું છે જે જન આકાંક્ષા અને જનભાગીદારીનું ઉત્તમ ઉદાહરણ છે.
એક ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “જલ જીવન મિશન આજે દેશના વિકાસને નવી ગતિ આપી રહ્યું છે. જે રીતે છેલ્લા 3 વર્ષથી ઓછા સમયમાં કરોડો ઘરો સુધી પાણી પહોંચ્યું છે, તે જન આકાંક્ષાઓ અને જનભાગીદારીનું ઉત્તમ ઉદાહરણ છે.”