Site icon Revoi.in

જીટીયુ સંલગ્ન કોલેજોમાં સેમેસ્ટર-1 પૂર્ણ થયાને દોઢ મહિનો વીતિ ગયો છતાં હજુ પરીક્ષાના ઠેકાણા નથી

Social Share

અમદાવાદઃ  ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી (GTU) દ્વારા એકેડેમિક કાર્યક્રમ યોગ્ય રીતે નહીં બનાવવાના કારણે હજારો વિદ્યાર્થીઓને પરીક્ષાની રાહ જોવાનો વારો આવ્યો છે. ઈજનેરીમાં સેમ-1 પૂર્ણ થયાને દોઢ માસ જેટલો સમય વીતિ ગયો છતાં હજુ પરીક્ષાના ઠેકાણા ન હોવાથી હજારો વિદ્યાર્થીઓ હેરાન થવાનો વારો આવ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત ટોકનોલોજી યુનિવર્સિટી (GTU) સંલગ્ન ઇજનેરી કોલેજોના સેમ-1માં ભણતા છાત્રોનું સેમેસ્ટર 27 જાન્યુઆરીએ પૂર્ણ થઈ ગયું હતું. પરંતુ પરીક્ષા ફોર્મ ભરવાની પ્રકિયા હાલમાં ટર્મ પૂર્ણ થઈ ગયા પછી 15 ફેબ્રુઆરીથી શરૂ કરાઈ છે. ટર્મ પૂર્ણ ગયાને આશરે દોઢ મહિનો વિતવા છતાં પરીક્ષાનો કાર્યક્રમ અપાયો નથી. જેથી રાજ્યના હજારો  વિદ્યાર્થીઓનો અભ્યાસ અટકી ગયો છે. પરીક્ષા ન લેવાથી કોલેજો પણ બીજું સેમેસ્ટર ક્યારે ચાલુ કરવું એવી અવઢવમાં છે. તો વિદ્યાર્થીઓનો અભ્યાસ દોઢ મહિનો મોડો ચાલી રહ્યો હોવાને કારણે એક વર્ષ બગડે તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. સેમેસ્ટર ત્રણમાં પણ દોઢ માસ બાદ પરીક્ષા લેવામાં આવી હતી. જેથી ચોથું સેમેસ્ટર પણ મોડું ચાલુ થશે જેની અસર વિદ્યાર્થીઓ અને અધ્યાપકો પર પડવાની શક્યતા છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, જીટીયુ દ્વારા કડક નિયમો લાવવામાં આવી રહ્યા છે. વિદ્યાર્થીઓ પાસેથી પરીક્ષાની 750 રૂપિયા ફી વસૂલાય છે. જો ફી ભરવામાં અઠવાડિયું પણ મોડું કરે તો 2,000 દંડ લેવાય છે. શિક્ષકો પણ નાની મોટી ભૂલ કરે તો 5,000 સુધીનો દંડ વસૂલાય છે. એકેડેમિક કેલેન્ડરમાં મોટી ભૂલ થઈ છે અને હજારો વિદ્યાર્થીઓ અટવાઈ પડ્યા છે. ત્યારે પગલા ન લેવાતા રોષ ફેલાયો છે.