પાટણઃ જિલ્લામાં સરકારી શાળાઓમાં બાળકોને મફત પાઠ્ય પુસ્તકો આપવામાં આવે છે. ત્યારે જિલ્લાના સરસ્વતી તાલુકામાં ઘણીબધી શાળાઓમાં સિક્ષણ કાર્ય શરૂ થયાને દોઢ મહિનાનો સમય વિતી ગયો હોવા છતાંયે હજુ પાઠ્ય પુસ્તકો મળ્યા નથી. એટલે બાળકો પાઠ્ય પુસ્તકો વિના અભ્યાસ કરી રહ્યા છે.
પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના કાતરા પ્રાથમિક શાળામાં ધો.6માં ગુજરાતી વિષયનુ એકપણ પાઠ્યપુસ્તક પહોચ્યું ન હોય બાળકો પુસ્તક વગર જ અભ્યાસ કરતા હોવાની ફરિયાદો ઊઠી છે. આ અંગે જંગરાલ પગાર કેન્દ્રમાં તપાસ કરતા માત્ર એક જ શાળા નહીં પરંતુ તાલુકામાં અનેક શાળાઓમાં ધો.6માં ગુજરાતી વિષય ઉપરાંત અન્ય વિષયોના પણ 674 પુસ્તકો બાળકોને મળ્યા નથી. સાથે ધોરણ 4 અને 8માં પણ 364 પુસ્તકો બાળકોને મળ્યા નથી. શાળાઓમાં કુલ 1038 પુસ્તકો બાળકોને આપવાના બાકી હોવાનું અધિકારીઓ કહી રહ્યા છે. તાલુકામાં અનેક શાળાઓમાં બાળકો પાઠ્યપુસ્તક વગર કે અધુરા પુસ્તકો વચ્ચે ભણી રહ્યા છે.
શિક્ષણ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે જંગરાલ પગાર કેન્દ્રમાં 16 શાળાઓનો સમાવેશ થાય છે.શાળામાં અભ્યાસ કરતા બાળકોના એપ્રિલ મહિનાના રિપોર્ટ આધારિત સરકારમાંથી પુસ્તકો આવ્યા હતા. પરંતુ પરા વિસ્તારની શાળાઓ ઉપરાંત અન્ય ગામોમાંથી ધોરણ છમાં બાળકો પ્રવેશ લેતા હોય પ્રવેશની સંખ્યા વધવાના કારણે પુસ્તકોની ઘટ થઈ છે.પુસ્તક ઘટ અંગેની દરખાસ્ત ઉચ્ચ વિભાગ કક્ષાએ મોકલી છે. પાઠ્ય પુસ્તકો ટૂંક સમયમાં આવી જતા બાળકોને વિતરણ કરાશે.
શાળાના શિક્ષકોના કહેવા મુજબ શાળામાં પાઠ્ય પુસ્તક આવ્યા ના હોવાથી બાળકોનું શૈક્ષણિક કાર્ય ના બગડે માટે અમે પુસ્તકની પીડીએફ મોબાઇલમાં ડાઉનલોડ કરીને તેમને ભણાવીએ છીએ. એક શિક્ષકે જણાવ્યું હતું કે શાળામાં સ્માર્ટ ક્લાસ હોય PDF તેમાં ઇન્સ્ટોલ કરી ડેક્સબોર્ડ ઉપર બાળકોને બતાવીને ભણાવીએ છીએ.બે ચેપટર અત્યાર સુધી ચાલ્યા છે.