અમદાવાદઃ ખેડામાં કેફીપીણું પીવાથી પાંચ વ્યક્તિઓના મોત થયા રાજ્યનું પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે, સમગ્ર રાજ્યમાં ઠેર-ઠેર દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન શહેરના છેવાડે જુહાપુરા વિસ્તાર પાસેથી પોલીસે એમડી ડ્રગ્સના જથ્થા સાથે એક પેડલરને ઝડપી લીધો હતો. આરોપી પાસેથી લગભગ 10 લાખની કિંમતનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. પોલીસે આરોપી પાસેથી 101ગ્રામ એમડી ડ્રગ્સ અને વાહન જપ્ત કર્યું હતું. આ ઉપરાંત આ રેકેટમાં સંડોવાયેલા અન્ય આરોપીઓને ઝડપી લેવા માટે ચક્રોગતિમાન કર્યાં છે.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના વટવા વિસ્તારમાં રહેતો મુજાહિદ શેખ નામનો ડ્રગ્સ પેડલર ડ્રગ્સનો જથ્થો જુહાપુરા પાસે સપ્લાય કરવા જઈ રહ્યો હોવાની પોલીસને બાળતમી મળી હતી. જેના પરિણામે પોલીસે જુહાપુરા પાસે અંબર ટાવર નજીક વોચ ગોઠવી હતી. દરમિયાન એક મોપેડને શંકાના આધારે અટકાવ્યું હતું. તેમજ તેના ચાલકનું નામ પૂછતા તેણે મુજાહિદ શેખ જણાવ્યું હતું. પોલીસે તેની તપાસ કરતા તેની પાસેથી 101 ગ્રામ જેટલો એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત લગભગ 10 લાખ જેટલી હશે.
ડ્રગ્સનો જથ્થો મુનાફ લકુમ નામના તેના મિત્રએ આપ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું. તેમજ વટવા વિસ્તારમાં રહેતા મુજાહિદ અને મુનાફ ઘણા સમયથી મિત્રો છે અને ઝડપથી નાણા કમાવવા માટે ડ્રગ્સના કાળા કારોબારમાં ઝંપલાવ્યાનું કબુલ્યું હતું. એટલું જ નહીં અગાઉ મુજાહિદ 3 વખત જુહાપુરામાં ડ્રગ્સની ડિલીવરી આપી ચુક્યો છે અને તેને વખત ડ્રગ્સ સપ્લાય કરવાના રૂ. 10 હજાર મળતા હતા. આ કેસમાં મુખ્ય સુત્રધાર મનાતા મુનાફ સામે અગાઉ પણ અનેક ગંભીર ગુના નોંધાયાનું જાણવા મળે છે.
પોલીસે સમગ્ર પ્રકરણમાં ગુનો નોંધીને ડ્રગ્સ પેડલરના રિમાન્ડ મેળવવાની કવાયત શરુ કરી છે. આ ઉપરાંત મુખ્ય સુત્રધાર મનાતા મુનાફ સહિત અન્ય આરોપીઓને ઝડપી લેવા માટે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. આગામી દિવસોમાં પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે. જુહાપુરામાં કોને ડ્રગ્સ સપ્લાય કરવામાં આવતું હતું તેની પણ પોલીસે તપાસ શરુ કરી છે.