રાજકોટઃ ગુજરાતમાં દરેક જિલ્લામાં વાહનો માટે પસંદગીનો રજિસ્ટ્રેશન નંબર મેળવવા માટે નિયત ડિપોઝીટ ભરીને બંધ કરવમાં બોલી લગાવવામાં આવતી હોય છે. જેમાં કેટલાક લોકો પસંદગીનો નંબર મેળવવા માટે લાખો રૂપિયાનો ખર્ચ કરતા હોય છે. ઘણા લોકો 9 નંબરને શુકનિયાળ ગણતા હોય છે. જ્યારે કેટલાક લોકો એક, અગિયાર અને સો નંબર માટે પણ બોલી લગાવવામાં આવતા હોય છે. આમ વિવિધ નંબરોની બોલી લાગતી હોય છે. જેના લીધે આરટીઓને પણ સારીએવી આવક થતી હોય છે. રાજકોટ આરટીઓ દ્વારા ફોર વ્હીલર્સ માટે NK સીરીઝમાં પસંદગીના રજિસ્ટ્રેશન નંબર મેળવવા માટે અરજીઓ મંગાવવામાં આવી હતી. જેના માટે ઘણા બધા લોકોએ પોતાના નવા વાહનો માટે પસંદગીના રજિસ્ટ્રેશન નંબર મેળવવા માટે ડિપોઝીટ ભરીને બોલી લગાવી હતી, જેમાં 9 નંબર માટે સૌથી વધુ 1.01 કરોડની બોલી લગાવવામાં આવી છે.
રાજકોટ RTOમાં પસંદગીના નંબરો મેળવવા માટે કરોડો રૂપિયાની બોલી લાગી છે. શુકનિયાળ ગણાતા 9 નંબર માટે એક યુવાને 1.01 કરોડની બોલી લગાવી છે. આ ઉપરાંત પસંદગીના અલગ-અલગ 10 નંબરો માટે 1.34 કરોડની બોલી લાગી છે. પસંદગીના નંબર માટે ગુજરાતમાં સૌથી વધુ રાજકોટમાં બોલી લાગી છે. કારમાં GJ-03-NK-0009 નંબર માટે કથીરી ખાલિદબિન મેસનભાઈએ 1.01 કરોડની બોલી લગાવી છે. જે ગુજરાતમાં સૌથી વઘુ બોલી હોવાનું કહેવાય છે.
રાજકોટના ઇન્ચાર્જ RTO અધિકારી કેતન ખપેડે જણાવ્યું હતું કે, પસંદગીના નંબરોમાં GJ-03-NK-0001માટે 11.52 લાખ, GJ-03-NK-0007 માટે 8.10 લાખ, GJ-03-NK-1111 માટે 5.23 લાખ, GJ-03-NK-0111 માટે 2.21 લાખ, GJ-03-NK-0777 માટે 1.51 લાખ, GJ-03-NK-0222 માટે 1.27 લાખ, GJ-03-NK-9999 માટે 1.18 લાખ, GJ-03-NK-0303 માટે 1.16 લાખ અને GJ-03-NK-0008 માટે 1.07 લાખની બોલી લાગી છે. જ્યારે 9 નંબર માટે 1.1 કરોડની બોલી લગાવવામાં આવી છે. સૌથી વધુ 1.01 કરોડની બોલી લગાડનાર યુવાન 7 દિવસમાં રકમ નહીં ભરે તો તેની 40,000ની ડિપોઝિટ જપ્ત કરાશે. 9 નંબર માટે રાજકોટમાં ખૂબ જ સારો ક્રેઝ જોવા મળી રહ્યો છે.