Site icon Revoi.in

ગિરનાર રોપ-વેમાં 17 મહિનામાં એક કરોડ લોકોએ ઉડન ખટોલાની મોજ મહાણી

Social Share

જૂનાગઢઃ  કહેવાય છે. કે, વાદળ સાથે વાતું કરે તે ગરવો ગઢ ગિરનાર, બે-અઢી વર્ષ પહેલા ભાવિકો ગિરનારના પગથિયા ચડીને દત્તાત્રિય ટુક સુધી પહોચતા હતા. જેમાં વૃદ્ધો અને અશક્ત લોકો ડોળી કરીને ગિરનારનો પથ પૂર્ણ કરતા હતા. આ કષ્ટદાયક યાત્રા રોપ-વે બનવાથી સરળ બની ગઈ છે. હાલ યાત્રાળુઓ, પ્રવાસીઓ રોપ-વેમાં બેસીને ગિરનારની ટોચે પહોચી રહ્યા છે. ગિરનારનો રોપ-વે  25મી ઓક્ટોબર-2020થી પ્રવાસીઓ માટે રોપ-વે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જેનો અત્યાર સુધીમાં એક કરોડ  પ્રવાસીઓએ રોપ-વેમાં સફર કરી ગુજરાતના સૌથી ઉંચા શિખર પર બિરાજતા મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી છે. આમ, જૂનાગઢમાં  રોપ-વેના લીધે  સૌથી વધુ રોજગારી સર્જન કરતા પ્રવાસન ઉદ્યોગને વેગ મળી રહ્યો છે. તેમજ રોપવે ના કારણે દર વર્ષે જૂનાગઢ જિલ્લાની મુલાકાતે આવતા પ્રવાસીઓમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.

ગરવા ગિરનારની યાત્રા સરળ બનાવવા માટે સરકારે રોપ-વે શરૂ કરવાની મંજુરી આપ્યા બાદ તેનું કામ પૂર્ણ થતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2020માં રોપ-વે નું લોકાર્પણ કર્યું હતું. હાલ 2.32 કિમી અને રૂા.135 કરોડના ખર્ચે તૈયાર થયેલા ગિરનાર રોપ-વે દેશ-વિદેશના પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે. આ અંગે જૂનાગઢ કલેક્ટર રચિત રાજે જણાવ્યું હતું કે, ગિરનાર રોપ-વે જે ઉડનખટોલા તરીકે પણ ઓળખાય છે. એશિયાનો સૌથી મોટો રોપ-વે પ્રોજેક્ટ છે. જે રાજ્યના સૌથી ઉંચા પર્વત ગિરનાર પર તૈયાર થયો છે.  રોપ-વે પ્રોજેક્ટ શરૂ થયો ત્યારથી અત્યાર સુધી એક કરોડ યાત્રિકોએ આ સેવાનો લાભ લીધો છે. રોપ-વે પ્રોજેકટના લીધે સાસણ ગીર, સોમનાથ અને દીવ જેવા પ્રવાસન સ્થળોને સાંકળીને ટુરીઝમ સર્કીટ તૈયાર થઇ છે. આ ઉપરાંત જૂનાગઢ આગવી ઓળખ સમાન ઐતિહાસિક ઉપરકોટ કિલ્લાની રેસ્ટોરેશન, ડેવલપમેન્ટ અને કંન્ઝર્વેશનની કામગીરી પણ પુરજોશમાં થઇ રહી છે. જે આગામી થોડા મહિનામાં જ પૂર્ણ થઇ જશે.

જુનાગઢનો ગરવા ગિરનારનો રોપ-વે 2.32  કિ.મી.નો એશિયાનો સૌથી મોટો અને આધુનિક પ્રોજેક્ટ છે. 5500 જેટલા પગથીયા ચડીને મા અંબાના દર્શન માટે બે થી ચાર  કલાકનો સમય થતો હતો જે હવે રોપ-વેના માધ્યમથી આઠ મિનીટમાં પહોંચી શકાય છે.