Site icon Revoi.in

અમદાવાદમાં એસજી હાઈવે પર મોડી રાતે બે કાર વચ્ચે અકસ્માતમાં એકનું મોત, બે ગંભીર

Social Share

અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. પૂરફાટ ઝડપે જતાં વાહનચાલકો સામે પગલાં લેવામાં ટ્રાફિક પોલીસ નિષ્ક્રિય જોવા મળી રહી છે. એસ જી હાઈવે મધરાત બાદ રેસનો રોડ બની જતો હોવાની પણ ફરિયાદો ઊઠી છે. મોડી રાતે એસ. જી. હાઈવે પરના પેલેડિયમ મોલ પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પૂરફાટ ઝડપે બે કાર અથડાતા એતનું મોત નિપજ્યું હતું જ્યારે બે વ્યક્તિઓને ઈજાઓ થતાં સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.

આ અકસ્માતની વિગતો એવી જાણવા મળી છે. કે, શહેરના  SG હાઈવે પરના મોડી રાત્રે  પેલેડિયમ મોલ પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં 30 વર્ષીય અલ્પેશભાઈ ગાગડેકરનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બે વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા સોલા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. જેમાં મયૂરભાઈ સિંધી નામના 26 વર્ષીય યુવકને ગંભીર ઇજાઓ પહોંચતા સોલા સિવિલ હોસ્પિટલમાં આઈસીયુમાં સારવાર આપવામાં આવી રહી છે. જ્યારે અન્ય 28 વર્ષીય કમલભાઈ સિંધીને હોસ્પિટલના તાત્કાલિક સારવાર કેન્દ્રમાં સારવાર આપવામાં આવી હતી.

અમદાવાદનો એસ. જી. હાઇવે ફરી એક વખત અકસ્માતના કારણે રક્ત રંજિત બન્યો છે. શહેરના કુબેરનગર વિસ્તારમાં રહેતો અલ્પેશ તેના મિત્રો સાથે રાત્રે જમવા માટે ઘરેથી ‘હું બહાર જમવા જાઉં છું, આવતા મોડું થશે’કહીને નીકળ્યો હતો, પણ પરિવારને વહેલી સવારે તેના મોતના સમાચાર મળ્યા હતા. વહેલી પરોઢે  03:00 વાગ્યાની આસપાસ તેની કારનો એસ. જી. હાઈવે પરના પેલેડિયમ મોલ પાસે અકસ્માત થયો હતો. જેમાં અલ્પેશ સંજયભાઈ ગાગડેકરનું મોત નીપજ્યું છે. અલ્પેશનાં બે બાળકો અને પત્ની ઘરે રાહ જોઈ રહ્યાં હતાં. આ સમયે તેના મોતના સમાચાર આવતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. હાલ આ સમગ્ર અકસ્માતની તપાસ પોલીસ કરી રહી છે. પોલીસે અકસ્માત સમયના સીસીટીવી શોધવાના પણ પ્રયાસ હાથ ધર્યા છે.