- ધોલેરા-ભાવનગર હાઈવે પર બસ ખાડામાં ખાબકી, 5ને ઈજા
- ધોલેરા હાઈવે પર અણિયાસર પાસે કાર પલટી જવાનો બન્યો બનાવ
- કારમાં પ્રવાસ કરી રહેલા 5 પ્રવાસીઓને ઈજા
અમદાવાદઃ ગુજરાતમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે ધોલેરા હાઈવે પર વધુ બે અકસ્માતોના બનાવો બન્યા હતા. જેમાં પ્રથમ અકસ્માતના બનાવમાં વહેલી સવારે ધંધુકા-ધોલેરા હાઇવે પર કાર પલટી મારી જતાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. અને 5 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જ્યારે બીજા અકસ્માતના બનાવમાં ધોલેરા-ભાવનગર હાઇવે પર એક ખાનગી બસ રોડ સાઈડના ખાડામાં ખાબકતા 5 પ્રવાસીઓને ઇજા પહોંચી હતી.
પ્રથમ અકસ્માતનો બનાવની વિગતો એવી છે કે, ધોલેરા-ધંધુકા હાઇવે પર અલીયાસર મહાદેવ મંદિર નજીક પૂરફાટ ઝડપે કાર પલટી ખાઈ જતા એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. હાઇવે પરથી પસાર થઇ રહેલી કાર અચાનક પલટી ખાઇને રસ્તાની સાઇડમાં ઉતરી ગઇ હતી. અને ત્યારબાદ પાણી ભરેલા ખાડાંમાં ખાબકતાં એકનું મોત નિપજ્યું હતું. જ્યારે પાંચ પ્રવાસીઓને ઇજા પહોંચી હતી. રોડ પરથી પસાર થતાં અન્ય વાહનચાલકો મદદ માટે દોડી આવ્યા હતા.
જ્યારે બીજા અકસ્માતની વિગતો એવી છે કે, ધોલેરા-ભાવનગર હાઇવે પર એક ખાનગી બસનો અકસ્માત સર્જાયો હતો. આ ખાનગી બસ ભાવનગરથી અમદાવાદ જઇ રહી હતી તે દરમિયાન અચાનક પલટી ખાઇ જઇને ખાડામાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં 5 મુસાફરોને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. જોકે સદનસીબે કોઇ હાનહાનિ સર્જાઇ નથી. આમ એક જ દિવસમાં બે અલગ-અલગ અકસ્માતો સર્જાયા હતા. જેમાં 1 વ્યક્તિનું મોત નિપજ્યું હતું, જ્યારે 5 લોકો ઇજા પહોંચી છે. અકસ્માતની જાણ થતાં એમ્બુલન્સ સહિત કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.