Site icon Revoi.in

ગાંધીનગરના વલાદ હાઈવે પર ટ્રકે એક્ટિવાને ટક્કર મારતા એકનું મોત, અકને ઈજા

Social Share

ગાંધીનગરઃ જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ વલાદ હાઈવે પર બન્યો હતો. પૂરફાટ ઝડપે આવેલી ટ્રકે એક્ટિવા સ્કુટરને ટક્કર મારતા એક્ટિવાસવાર બે યુવાનો રોડ પર પટકાયા હતા.જેમાં એક યુવાનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું જ્યારે બીજા યુવાનને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ અકસ્માતના બનાવની જાણ થતાં ડભોડા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.

અકસ્માતના આ બનાવની એવી વિગતો જાણવા મળી છે કે, ગાંધીનગરના વલાદ હાઇવે રોડ પૂરફાટ ઝડપે દોડતી ટ્રકના ચાલકે એક્ટિવાને પાછળથી ટક્કર મારતાં એક્ટિવા સવાર બે યુવાનો ઉછળીને રોડ પર પટકાયા હતા. આ અકસ્માતમાં એક યુવાનનું ગંભીર ઈજાઓ થવાથી ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે બીજા યુવાનને શરીરે વધતી ઓછી ઈજાઓ થતાં સારવાર અર્થે સિવિલમાં દાખલ કરાયો છે. આ અંગે ડભોડા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદના જમાલપુર ખાતે રહેતા ગોવિંદજી શકરાજી ઠાકોર રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઈકાલે ઢળતી સાંજે ગોવિંદજીનાં મોબાઇલ પર તેમના મિત્ર દીપકે ફોન કરીને જાણ કરેલી કે, તેના સાળા શંકરસિંહ પ્રલાદસિંહ વાધેલાને વલાદ નજીક હાઇવે રોડ પર અકસ્માત થયો છે. આ અકસ્માતમાં શંકરસિંહનું સ્થળ પર મોત થયું છે. આ સમાચાર સાંભળી ગોવિંદજી રિક્ષા લઈને તાત્કાલિક ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા. જ્યાં મોટી સંખ્યામાં ભીડ એકઠી થયેલી હતી. જ્યારે તેમના સાળા શંકરસિંહની લાશ પડી હતી. જેનાં માથાના અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ થઈ હોવાનું જોવા મળ્યું હતું. તેમજ ટ્રકની આગળના ભાગે એક્ટિવા ગાડી નીચે હતું. જે બાબતે ગોવિંદજીએ પૂછતાંછ કરતાં માલુમ પડયું હતું કે, તેમનો સાળો શંકરસિંહ અને ધર્મેશ મુદલીયા એક્ટિવા લઈને અત્રેના રોડ પરથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે ટ્રકના ચાલકે પોતાની ટ્રક પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારીને પાછળથી એક્ટિવાને ટક્કર મારી હતી. જેનાં કારણે બંને રોડ પર પટકાયા હતા. અને એક્ટિવા ટ્રકના આગળના ભાગે નીચે આવી ગયું હતું.

આ અકસ્માતમાં શંકરસિંહને માથાના અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે ધર્મેશને વધતી ઓછી ઇજા થતાં 108 એમ્બ્યુલન્સ મારફતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે લઈ જવાયો હતો. આ અંગે ડભોડા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.