લૂણાવાડાઃ મહીસાગર જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ લૂણાવાડાના હાડોડ ગામ નજીક બન્યો હતો. હાડોડ ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં જૂના પુલ પરથી એક કાર નદીમાં ખાબકી હતી. આ બનાવની જાણ ગ્રામજનો ઘટનાસ્થળે આવી દોડી ગયા હતા. કાર પુલના નીચે જ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. આ બનાવની પોલીસને જાણ કરાતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો. દરમિયાન લુણાવાડા નગરપાલિકાની ફાયર ટીમની મદદ લઇ બોટ વડે નદીમાં સર્ચ ઓપરેશ હાથ ધરાયું હતું. કાર નજીક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. કારમાં કેટલા લોકો સવાર હતા તે જાણી શકાયું નથી.
આ અકસ્માતના બનાવની એવી વિગતો જાણવા મળી છે. કે, લૂણાવાડાના હાડોદ ગામ નજીક મહીસાગર નદીના જુના બ્રિજ પરથી એક કાર પૂરઝડપે પસાર થઈ રહી હતી. ત્યારે કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર મહીસાગર નદીમાં ખાબકી હતી. આ બનાવને પગલે હડોડના ગ્રામજનો દોડી આવ્યા હતા. અને પોલીસને જાણ કરી હતી. પોલીસ દોડી આવીને લૂણાવાડા ફાયરબ્રિગેડને જાણ કરાતા લુણાવાડા ફાયર વિભાગની ટીમે બોટ સાથે પહોંચી મહીસાગર નદીમાં તાપસ હાથ ધરી હતી. નદીમાં ખાબકેલી કારમાંથી લુણાવાડાના કાકચિયા ગામના વતની મયૂર પટેલ નામના યુવકની લાશને બહાર કાઢી પીએમ અર્થે લુણાવાડાની સિવિલ હોસ્પિટલ ખસેડાઈ હતી. બ્રિજ ખખડધજ અને તૂટેલી હાલતમાં હોવાથી ત્યાંથી પસાર થતા ચાલકે કાબૂ ગુમાવતાં બ્રિજના તૂટેલા સ્લેબ પર કારનું ટાયર ચડી જતાં કાર બેકાબૂ થઈ નદીમાં ખાબકી હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ બહાર આવ્યું છે.
હડોડના ગ્રામજનોના કહેવા મુજબ મહીસાગર નદી પર તાજેતરમાં લુણાવાડાના હાડોડ ગામે કરોડોના ખર્ચે નવીન પુલ બનાવવામાં આવ્યો છે. ત્યારે નવો પુલ કાર્યરત હોવા છતાં પણ જૂનો પુલ કેમ શરૂ રાખવામાં આવ્યો છે તે સમજાતુ નથી. બીજી તરફ આ જૂનો પુલ બિલકુલ ક્ષતિગ્રસ્ત છે. અહીંયાંથી પસાર થવું ખૂબ જોખમી છે. પુલ પર બંને બાજુની કેટલીક આડસ માટેની રેલિંગ તૂટેલી છે જ્યારે અમુક ભાગમાં તો રેલિંગ જ નથી. જ્યારે આ જે બનાવ બન્યો તે ભાગે તો પુલનો સ્લેબ જ તૂટેલો છે.