ભાવનગરના મહુવા તાલુકાના વાવડી ગામે નજીક પાંચ સિંહોના વર્ચસ્વની લડાઈમાં એકનું મોત
ભાવનગરઃ જિલ્લામાં મહુવા, તળાજા, પાલિતાણા અને વલ્લભીપુર સુધી સિંહ પરિવારના આંટાફેરા વધી ગયા છે. એક સિંહ પરિવાર જે વિસ્તારમાં રહેતું હોય તો બીજા સિંહ પરિવારને પોતાના વિસ્તારમાં પ્રવેશવા દેતુ નથી. આથી ઘણીવાર વર્ચસ્વ માટે સિંહની લડાઈ થતી હોય છે, તાજેતરમાં મહુવા તાલુકાના વાવડી ગામે પાંચ સિંહ વચ્ચે અસ્તિત્વની લડાઈનો જંગ ખેલાયો હતો. જેમાં એક સિંહને ગંભીર ઈજા થતા સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતુ.
સૂત્રોના જણાવ્યા મુજબ જિલ્લાના મહુવા તાલુકાના વાવડી ગામના બૃહદગીર વિસ્તાર ગેબરવીડીમાં ગઈકાલે બપોરના સમયે 5 સિંહો વચ્ચે અસ્તિત્વની જંગ છેડાઈ હતી. વનરાજાઓની આ લડાઈમાં એક સિંહને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેને સારવાર માટે વડાળ રેસ્ક્યૂ સેન્ટર ખાતે વનવિભાગ દ્વારા લાવવામાં આવતા રસ્તામાં જ ઈજાગ્રસ્ત સિંહનું મોત થયું હતું.
વન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ મહુવા તાલુકાના વાવડી ગામના બૃહદગીર વિસ્તારના ગેબરવીડીમાં ગઈકાલે બપોરના સમયે પાંચ સિંહો વચ્ચે અસ્તિત્વની લડાઈ થઈ હતી. અંદરો અંદર સિંહો વચ્ચે થયેલી આ લડાઈમાં 1 સિંહને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેને મહામહેનતે વનવિભાગ દ્વારા રેસક્યૂ કરી વડાળ વન્યજીવ રેસ્ક્યૂ સેન્ટર ખાતે સારવાર માટે લાવવામાં આવી રહ્યો હતો પરંતુ ગંભીરરીતે ઈજાગ્રસ્ત થયેલા આ સિંહે રસ્તામાં જ અંતિમ શ્વાસ લઈ લીધાં હતા.
બૃહદગીરમાં સિંહો વચ્ચે થયેલી આ ફાઈટની ચર્ચાને સ્થાનિક લોકોએ સમર્થન આપ્યું હતું પરંતુ આ અંગે પાલિતાણા આરએફઓએ આવું કંઈ નહી થયું હોવાનું જણાવ્યું હતું.