Site icon Revoi.in

અમદાવાદના SG હાઈવે પર ડમ્પરે બાઈકને મારી ટક્કર, એકનું મોત, એક ઈજાગ્રસ્ત

Social Share

અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે, શહેરમાં નવ નિર્મિત બિલ્ડિંગો માટે માલ-સામાનનું વહન કરતાં ડમ્પરો તેમજ મિક્ચર ડમ્પરોના ચાલકો બેદરકારીથી અને પૂર ઝડપે વાહનો ચલાવતા હોવાની ફરિયાદો પણ ઊઠી છે. દિવસ દરમિયાન પીકઅપ અવર્સમાં ડમ્પરો ટ્રાફિકજામ કરતા હોય છે. ત્યારે શહેરના એસજી હાઈવે પર કારગીલ પેટ્રોલ પંપ નજીક એક મિક્ચર ડમ્પરે  બાઈકને અડફેટે લેતા એક બાઈકસવાર યુવાનનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બાઈકસવારને ગંભીર ઈજા થતાં તેને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અકસ્માતને પગલે લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા. ટ્રાફિક પોલીસે ડમ્પરચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદના એસજી હાઈવે પર કારગીલ પેટ્રોલ પંપ નજીક ગંભીર અકસ્માત સર્જાયો હતો. બપોરના 2:50 વાગ્યાની આસપાસ એક બાઈક પર બે વ્યક્તિ પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન પાછળથી આવતા મિક્સર ડમ્પરે ટક્કર મારી હતી. અને ડમ્પરના આગળનું ટાયર બાઈક સવાર પર ફરી વળ્યું હતું. જેમાં અમદાવાદ ચાણક્યપુરીમાં રહેતા મૂળ ડુંગરપુરના બાઈક ચાલક દિનેશ રોટનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે પાછળ બેઠેલા દિલપત અંદાનીને ગંભીર ઇજા થઈ હતી. આ ગંભીર અકસ્માતના પગલે લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા.અને આ અંગે પોલીસ અને 108 જાણ કરવામાં આવી હતી. ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી મિકચર ડમ્પર ચાલક સામે ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી મોટા હેવી વ્હીકલના કારણે અકસ્માતોના બનાવો વધી રહ્યા છે અને મંગળવારે તેના કારણે એક માસુમને પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. અકસ્માતની સમગ્ર ઘટનાના CCTVમાં કેદ થઈ હતી. જેમાં કારગિલ પેટ્રોલ પંપ પાસેથી એક બાઈક પસાર થઈ રહ્યું છે. ત્યારે પાછળથી આવતા ટ્રક ચાલકે અચાનક ટર્ન મારતા ટ્રકના આગળના ટાયર નીચે બાઈક સવાર બે વ્યક્તિ આવી ગયા હતા. ટ્રાફિક પોલીસે સીસીટીવીના કૂટેજ પણ મેળવ્યા છે.