Site icon Revoi.in

મોરબી-કંડલા હાઈવે પર ટ્રકે રિક્ષાને અડફેટે લેતા એકનું મોત, બે મહિલા સહિત ત્રણને ઈજા

Social Share

મોરબીઃ  જિલ્લામાં અકસ્માતનું પ્રમાણ વધતું જાય છે.  કચ્છ તરફ જતાં હાઈવે પર વધુ એક અકસ્માત સર્જાયો છે. મોરબી-કંડલા હાઈવે પર માળિયા પાસે  રિક્ષાને ટ્રકે પાછળથી હડફેટે લીધી હતી. જેમાં રિક્ષામાં બેઠેલા એક સગીરવયના યુવાનનું મોત નિપજ્યુ હતું. જ્યારે રિક્ષાચાલક સહિત ત્રણ મહિલાને ઈજાઓ થઈ હતી. આ બનાવમાં  રિક્ષાચાલકે ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે અકસ્માત અંગેનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

આ અકસ્માતના બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે માળીયા તાલુકાના હરિપર ગામે રહેતા ગણેશભાઇ મહાદેવભાઈ ચાવડા (ઉં.વ. 32) એ ટ્રક નં. RJ-10-GA-7338ના ચાલકની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે, મોરબી કંડલા હાઈવે ઉપર આવેલી ઓનેસ્ટ હોટલ પાસેથી તે પોતાની રિક્ષા નંબર GJ-36-U-5956 લઇને પસાર થઇ રહ્યા હતા. ત્યારે તેમની રિક્ષાને પાછળના ભાગેથી ઉપરોકત નંબરના ટ્રક ચાલકે ઠોકર મારી હતી. જેમાં રિક્ષામાં બેઠેલા મુસાફર ભાનુબેન બીજલભાઇ ભરવાડ ( ઉ.વ.56) અને જશીબેન માત્રાભાઇ લાંબરીયા (ઉ.વ.20)ને નાના મોટી ઈજાઓ થઈ હતી જ્યારે નવઘણભાઈ માત્રાભાઈ લાંબરીયા (ઉં.વ. 15) નામના નાગડાવસ ગામે રહેતા સગીરને ગંભીર ઈજા થતાં મોત નીપજયું હતુ. આ અકસ્માતનાં આ બનાવમાં રિક્ષા ચાલકની ફરિયાદ લઈને પોલીસે ટ્રક ચાલક સામે અકસ્માત અંગેનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી.

આ ઉપરાંત અકસ્માતની અન્ય ઘટનામાં મોરબીના શક્તિ પ્લોટ વિસ્તારમાં રહેતા મહેશભાઇ રવજીભાઈ ચારોલા નામના 64 વર્ષીય વૃદ્ધ જુના બસ સ્ટેશન પાસે બસમાં ચડતા હતા. તે સમયે તેમનો પગ લપસી જતા પડી ગયા હતા. જેથી ઇજાઓ થતાં મહેશભાઈને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે મોરબીના વીસીપરામાં રહેતો રવિ લધુભાઈ દેવીપુજક નામનો સાત વર્ષનો બાળક રેલ્વેસ્ટેશન રોડ ઉપર રસ્તો ઓળંગી રહ્યો હતો. ત્યારે તેને કોઈ અજાણ્યા કાર ચાલકે હડફેટે લેતાં ઇજાગ્રત રવિ દેવીપુજક નામના સાત વર્ષના બાળકને સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હતો. તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકામાં આવેલા રતનપર ગામના રહેવાસી સામુબેન ડાયાભાઈ ડોડીયા નામની 40 વર્ષીય મહિલા બાઈકમાં પાછળના ભાગે બેસીને જતા હતા. ત્યારે રતનપર ગામ પાસે તેઓ બાઇકમાંથી નીચે પડી જતા ઈજાગ્રસ્ત થયેલા સામુબેનને સારવાર માટે મોરબી ખસેડાયા હતા.