Site icon Revoi.in

રાજકોટમાં આજે CM ઉપસ્થિતિમાં યોજાનારી તિરંગા યાત્રામાં એક લાખ નાગરિકો જોડાશે

Social Share

રાજકોટઃ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં આજે 12મી ઓગસ્ટે રાજકોટ શહેરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વિશાળ તિરંગા યાત્રા યોજાશે. આશરે બે કિલોમીટર લાંબી આ યાત્રામાં એક લાખથી વધુ લોકો જોડાશે તેવો અંદાજ જિલ્લા વહીવટી તંત્રે વ્યક્ત કર્યો છે. આ યાત્રા માટે જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુના નેતૃત્વમાં વહીવટી દ્વારા પખવાડિયાથી  તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી. યાત્રામાં વધુને વધુ નાગરિકો જોડાઈ તે માટેનું આયોજન કરાયું છે.

રાજકોટ શહેરમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વિશાળ તિરંગા યાત્રાના આયોજન માટે ગુરૂવારે જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુના અધ્યક્ષ સ્થાને એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા વહીવટી તંત્રના તમામ વિભાગો, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના હોદ્દેદારો તથા અધિકારીઓ, ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારો, વિવિધ જીઆઈડીસીના એસોશિએશન્સ, સામાજિક, સેવાકીય અને ધાર્મિક સંગઠનો, વિવિધ યુનિવર્સિટી, શાળાઓ તેમજ કોલેજના પ્રતિનિધિઓ, કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની વિવિધ કચેરીઓમાં પ્રતિનિધિ જોડાયા હતા. આ મિટિંગમાં જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે,આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ‘હર ઘર તિરંગા’ અભિયાન હેઠળ 12મી ઓગસ્ટે વિશાળ તિરંગા યાત્રાનું આયોજન કરાયું છે. બહુમાળી ભવન ચોક ખાતે સવારે 8 કલાકથી દેશભક્તિ જગાવતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની શરૂઆત થશે. બાદમાં સવારે 9 કલાકે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં, તેમજ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી તથા નવસારીના સાંસદ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રાની શરૂઆત થશે. મહાત્મા ગાંધીજીના સંભારણા જ્યાં જોડાયેલા છે એવી રાષ્ટ્રીય શાળા ખાતે આ યાત્રાનું સમાપન થશે.

આ યાત્રામાં પોલીસ તથા ફાયર બ્રિગેડના બાઇક્સ, પોલીસ બેન્ડ, એન.સી.સી. બ્રહ્માકુમારી તથા ગુરુકુળ મંડળ સહિતના વિવિધ મંડળો જોડાશે. આ ઉપરાંત ધારાસભ્ય, સાંસદ, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ તથા અધિકારીઓ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, આર.કે. યુનિવર્સિટી, મારવાડી અને આત્મીય સહિત વિવિધ યુનિવર્સિટીઓ, સરદાર ધામ ગ્રુપ તેમજ ખોડલધામ ગ્રુપ સહિતના સામાજિક સંગઠનો, ચેમ્બર ઓફ કોમર્સ, શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન, રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશન સહિત વિવિધ ઉદ્યોગગૃહો તથા વેપારી સંગઠનો, ડોક્ટર્સ, વકીલો, સરકારી અધિકારી અને કર્મચારીગણ વગેરે જોડાઈને તિરંગા પ્રત્યેનો આદરભાવ વ્યક્ત કરશે. (પ્રતિકાત્મક તસવીર)