નવી દિલ્હી: રોજગારના મુદ્દે અવારનવાર પ્રશ્નોનો સામનો કરતી મોદી સરકાર સંભવતઃ હવે આ સંકટને પહોંચી વળવા માટે યોજના તૈયાર કરી રહી છે. PMO દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આગામી દોઢ વર્ષમાં કેન્દ્ર સરકારના તમામ વિભાગોમાં 10 લાખ પદો પર ભરતી કરવામાં આવશે. પીએમઓ ઈન્ડિયા એકાઉન્ટમાંથી આ સંબંધમાં માહિતી આપતાં ટ્વિટ કરવામાં આવ્યું છે કે, ‘પીએમ નરેન્દ્ર મોદીએ તમામ મંત્રાલયો અને વિભાગોમાં માનવ સંસાધનોની સમીક્ષા કરી છે. આ સાથે તેમણે સરકારને આદેશ આપ્યો છે કે, આગામી દોઢ વર્ષમાં મિશન મોડમાં કામ કરવામાં આવે અને 10 લાખ લોકોની ભરતી કરવામાં આવે.
મોદી સરકારનો આ નિર્ણય રોજગાર ઈચ્છતા યુવાનો માટે મોટા સમાચાર છે. પટના, અલ્હાબાદ જેવા શહેરોમાં યુવાનોએ રેલ્વેમાં ભરતી માટે પ્રદર્શન કર્યું છે. મોદી સરકાર પર પ્રહારો કરતા અનેકવાર આરોપ લગાવી ચૂક્યા છે કે, તે રોજગાર આપી શકતી નથી. ખાસ કરીને નોટબંધી, GST અને પછી કોરોનાના સમયગાળા દરમિયાન અર્થવ્યવસ્થાના વિકાસ દરમાં મંદીના કારણે ખાનગી ક્ષેત્રમાં નોકરીની તકો વધુ બહાર આવી રહી નથી. આવી સ્થિતિમાં મોદી સરકારની આ જાહેરાત સરકારી નોકરીની શોધ કરી રહેલા યુવાનો માટે સારા સમાચાર છે.
ગયા વર્ષે, કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્ર સિંહે રાજ્યસભામાં એક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે 1 માર્ચ, 2020 સુધીમાં, કેન્દ્ર સરકારના વિભાગોમાં 8.72 લાખ પદો ખાલી છે. આવી સ્થિતિમાં, સ્પષ્ટ છે કે હાલમાં આ આંકડો વધીને 10 લાખની નજીક પહોંચી ગયો હશે, જેના પર પીએમ નરેન્દ્ર મોદીએ ભરતીનો આદેશ આપ્યો છે. જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારના તમામ વિભાગોમાં કુલ 40 લાખ 4 હજાર પદો છે, જેમાંથી લગભગ 31 લાખ 32 હજાર કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે. આ રીતે 8.72 લાખ જગ્યાઓ પર ભરતીની જરૂર છે. એટલું જ નહીં, 2016-17 થી 2020-21 દરમિયાન ભરતીના આંકડા આપતા જિતેન્દ્ર સિંહે કહ્યું હતું કે SSCમાં કુલ 2,14,601 કર્મચારીઓની ભરતી કરવામાં આવી છે. આ સિવાય RRBએ 2,04,945 લોકોને એપોઇન્ટમેન્ટ આપી છે.