- કુસ્તીબાજોના પ્રદર્શનનો એક મહિનો પૂરો
- આજે ઈન્ડિયા ગેટ પર કાઢશે કેન્ડલ માર્ચ
દિલ્હી : રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડની માંગ સાથે કુસ્તીબાજો છેલ્લા એક મહિનાથી જંતર-મંતર પર ધરણા પર બેઠા છે. હડતાલનો એક મહિનો પૂરો થવા પર રેસલર્સ ઈન્ડિયા ગેટ પર કેન્ડલ માર્ચ પણ કાઢશે. બજરંગ પુનિયાએ સામાન્ય નાગરિકોને શાંતિપૂર્ણ રીતે કાઢવામાં આવેલી કેન્ડલ માર્ચમાં ભાગ લેવાની અપીલ કરી છે.
સામાન્ય લોકોને કેન્ડલ માર્ચમાં ભાગ લેવાની અપીલ કરતા બજરંગ પુનિયાએ કહ્યું કે, “કદાચ દેશમાં આ પહેલો કેસ હશે, જેમાં POCSO હેઠળ કેસ નોંધવામાં આવ્યો હોવા છતાં ધરપકડ કરવામાં આવી રહી નથી.” કુસ્તીબાજોને ખાપ પંચાયતનું સમર્થન પણ મળ્યું છે.
કુસ્તીબાજોના સમર્થનમાં 21 મેના રોજ હરિયાણાના મેહમમાં ખાપ પંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડની માંગ સાથે કુસ્તીબાજોના ધરણાને એક મહિનો પૂરો થવા પર ઇન્ડિયા ગેટ પર કેન્ડલ માર્ચ કાઢવામાં આવશે. આ સાથે,જે દિવસે નવી સંસદનું ઉદ્ઘાટન થશે, તે દિવસે કુસ્તીબાજો સંસદની બહાર મહિલા મહાપંચાયતનું આયોજન કરશે.
આ પહેલા 7 મેના રોજ દિલ્હીના જંતર-મંતર ખાતે ખાપ પંચાયત પણ યોજાઈ હતી, જેમાં સરકારને બ્રિજ ભૂષણની ધરપકડ કરવા માટે 15 દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. ખાપ પંચાયતમાં કુસ્તીબાજોના મુદ્દે સરકારને 21મી મે સુધીમાં પગલાં લેવાનું અલ્ટીમેટમ આપતાં કહ્યું હતું કે, જો પગલાં નહીં ભરાય તો પછી મોટું આંદોલન કરવામાં આવશે.