- આરોપીને પંજાબના લુધિયાણાથી પકડી લેવાયો
- અત્યાર સુધીમાં કુલ 15 આરોપીઓની અટકાયત
- આરોપીને પંજાબથી પોલીસ મુંબઈ લાવશે
મુંબઈઃ મુંબઈ પોલીસે બાબા સિદ્દીકી હત્યા કેસમાં અન્ય આરોપી સુજીત સુશીલ સિંહની પંજાબના લુધિયાણામાંથી ધરપકડ કરી છે. સુજીત સુશીલ સિંહ પર આરોપ છે કે તેણે વોન્ટેડ આરોપી જીશાન અખ્તરને આ કેસમાં ધરપકડ કરાયેલા બે આરોપીઓ સાથે પરિચય કરાવ્યો હતો. પોલીસે આરોપીને ઝડપી લઈને મુંબઈ લઈ જવાની કવાયત શરૂ કરી છે. આરોપીની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે. તેમજ આ કેસમાં સંડોવાયેલા અન્ય આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસે ચક્રોગતિમાન કર્યાં છે.
સુત્રોના જણાવ્યા અનુસાર, બાબા સિદ્દીકી હત્યા કેસમાં ધરપકડ કરાયેલા આરોપીઓની સંખ્યા 15 પર પહોંચી ગઈ છે. મુંબઈ પોલીસ આરોપીને પંજાબથી મુંબઈ લાવી રહી છે. આ કેસની તપાસ કરી રહેલા એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આરોપી સુજીત સિંહ આ કેસમાં વોન્ટેડ આરોપી ઝીશાન અખ્તરના સંપર્કમાં હતો અને તે જૂથનો ભાગ હતો જેણે હત્યાની યોજના બનાવી હતી. હત્યા પછી તરત જ તે જલંધર ભાગી ગયો હતો અને ત્યાં છુપાઈને રહેતો હતો. ગોપનીય માહિતી મળ્યા બાદ મુંબઈ પોલીસે પંજાબ પોલીસની મદદથી શુક્રવારે તેની ધરપકડ કરી હતી. મુંબઈ પોલીસ તેની પૂછપરછ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે 12 ઓક્ટોબરે બાંદ્રા ઈસ્ટમાં પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં અત્યાર સુધીમાં 15 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને ત્રણ ફરાર છે. ત્રણેય ફરાર આરોપીઓ સામે લુકઆઉટ સર્ક્યુલર જારી કરવામાં આવ્યો છે.