ભારત-બાંગ્લાદેશ સરહદેથી પ્રવેશ કરવાના માનવ તસ્કરી કેસમાં વધુ એકની ધરપકડ
નવી દિલ્હીઃ માનવ તસ્કરી મામલામાં એનઆઈએ એ 11માં આરોપીની ધરપકડ કરી છે. આરોપી ભારત-બાંગ્લાદેશ સરહદેથી દેશમાં ઘુસ્યા હતા. કોચીમાં તેના ઠેકાણા પરથી તેની ધરપકડ કરવામાં આવી છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) એ માનવ તસ્કરી મામલામાં 11માં આરોપીની ધરપકડ કરી છે. એજન્સીએ ગયા મહિને દેશવ્યાપી દરોડા પાડ્યા બાદ આ કેસનો પર્દાફાશ કર્યો હતો.
એનઆઈએ એ ગયા મહિને સાઉદી ઝાકિરના ઘરે તપાસ કરી હતી. ત્યાર બાદ તે ફરાર હતો. તેને તેના કોચી(કેરલ)ના ઠેકાણા પર ટ્રેક કરી અને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. તપાસમાં સામે આવ્યું છે કે આરાપી ભારત-બાંગ્લાદેશ સરહદ પરના બેનપોલ મારફતે ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ્યો હતો. તેના પછી તે કર્ણાટકના બેંગલુરુ શહેરના બેલંદૂર વિસ્તારમાં ચાલ્યો ગયો હતો. આ વિસ્તારમાં તેણે એક વેસ્ટ કલેક્શન અને સેપરેશન યુનિટની સ્થાપના કરી હતી અને અન્ય વિદેશી નાગરીકોની ભરતી કરી હતી. આ વિદેશી નાગરીકોએ ગેરકાયદેસર રીતે દેશમાં પ્રવેશ કર્યો હતો.