સુરતઃ શહેરના એરપોર્ટને ઈન્ટરનેશનલનો દરજ્જો મળ્યા બાદ નવી ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ શરૂ થઈ રહી છે. જેમાં દૂબઈની વધુ એક ફ્લાઈટ આગામી તા, 23મીને શુક્રવારથી ઉડાન ભરશે. ત્યારબાદ આ ફ્લાઈટ સપ્તાહમાં ત્રણ દિવસ બુધવાર, શુક્રવાર અને રવિવારે સુરતથી ઉડાન ભરશે. આ ઉપરાંત ઈન્ટરનેશનલ ટર્મિનલ બિલ્ડિંગમાં ઈમિગ્રેશનની સુવિધા નહીં હોવાથી પ્રવાસીઓને ઈમીગ્રેશન માટે જૂના અર્થાત ડોમેસ્ટિક ટર્મિનલ બિલ્ડિંગમાં જવું પડતું હતું. જેને લીધે પ્રવાસી હેરાન થતા હતા. જોકે, હવે પ્રવાસીઓને ઈમીગ્રેશન માટે ડોમેસ્ટિક ટર્મિનલ બિલ્ડિંગમાં ધક્કા નહીં ખાવા પડે. હવે ઈન્ટરનેશનલ બિલ્ડિંગમાં સુવિધા મળી રહેશે.
સુરતમાં ઇન્ટરનેશનલ એરપોર્ટની રૂ.363 કરોડના ખર્ચે સાકાર નવી ટર્મિનલ બિલ્ડિંગમાં ઈમીગ્રેશની સુવિધાના અભાવે વિદેશ યાત્રા કરનારા પ્રવાસીઓને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો હતો. ઈન્ટરનેશનલ ટર્મિનલ બિલ્ડિંગમાં વિદેશ જનારા અને પરત ફરનારા પ્રવાસીઓ માટે ઈમીગ્રેશનની પ્રક્રિયા શરૂ થતા મોટી રાહત થઈ છે. 23મી ફેબ્રુઆરીથી દુબઈની વધુ એક ફ્લાઈટ સપ્તાહમાં ત્રણ દિવસ શરૂ થવા જઈ રહી છે. સુરત એરપોર્ટ ખાતે વર્ષ 2018-19માં શારજાહની પ્રથમ ફ્લાઈટ શરૂ થઈ હતી. જે સપ્તાહમાં બે દિવસ ઉડાન ભરતી હતી. ત્યાર બાદ ગત વર્ષથી આ સંખ્યા વધારીને સપ્તાહમાં પાંચ દિવસ થઈ. ત્યાર બાદ ડિસેમ્બર 2023માં દુબઈની ફ્લાઈટ શરૂ થઈ. હવે 23મી ફેબ્રુઆરી ઇન્ડિગો એરલાઈન્સની દુબઈની વધુ એક ફ્લાઈટ શરૂ થવા જઈ રહી છે. આ ફ્લાઈટ સપ્તાહમાં ત્રણ દિવસ બુધવાર, શુક્રવાર અને રવિવારે સુરતથી ઉડાન ભરશે.
સુરતમાં ઈન્ટરનેશનલ ફ્લાઈટ વધતા પ્રવાસી ટ્રફિકમાં વધારો થઈ રહ્યો છે, પરંતુ વિદેશ યાત્રા કરનારા પ્રવાસીઓને ઈમીગ્રેશનને લઈ ભારે તકલીફોનો સામનો કરવો પડતો હતો. ઈન્ટરનેશનલ ટર્મિનલ બિલ્ડિંગમાં ઈમિગ્રેશનની સુવિધા નહીં હોવાથી પ્રવાસીઓને ઈમીગ્રેશન માટે જૂના ડોમેસ્ટિક ટર્મિનલ બિલ્ડિંગમાં જવું પડતું હતું. જેને લીધે પ્રવાસી હેરાન થતા હતા. હવે ઈન્ટરનેશનલ બિલ્ડિંગમાં ઈમિગ્રેશનની સુવિધા શરૂ કરવામાં આવી છે.