Site icon Revoi.in

રાજકોટ-મુંબઈ વચ્ચે પ્રવાસીઓમાં વધારો થતાં તા.19મીથી વધુ એક ફ્લાઈટ શરૂ કરાશે,

Social Share

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં ઉદ્યોગો માટેનું હબ ગણાતા રાજકોટ શહેરનો વિકાસ છેલ્લા એક દાયકોથી ઘણોબધો થયો છે. શહેરમાંથી મુંબઈ જનારા પ્રવાસીઓમાં પણ વધારો થયો છે. ત્યારે વધુ એક ફ્લાઈટ આગામી તા. 19મીથી શરૂ કરવાનો નિર્ણય લેવાતા હવે મુંબઈ જવા માટે રોજ ત્રણ ફ્લાઈટનો લાભ મળશે. શહેરના વેપારી સંગઠનોએ રાજકોટ-મુંબઈ વચ્ચે વધુ એક ફ્લાઈટ શરૂ કરવા રજુઆત કરવામાં આવી હતી. હવે વેપારીઓ સવારે મુંબઈ જઈને સાંજે ફ્લાઈટમાં રાજકોટ પરત ફરી શકશે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટથી મુંબઈ હવાઈ યાત્રા કરતા પ્રવાસીઓ માટે  આગામી તારીખ 19મી જાન્યુઆરીથી રાજકોટ-મુંબઈ સવારની નવી ફ્લાઈટ શરૂ કરાશે.  ખાનગી એરલાઇન્સ કંપની રાજકોટથી સવારે 11 કલાકે મુંબઈની વધુ એક ફ્લાઈટ શરૂ કરતા યાત્રિકોને વધુ સારી ફ્રીક્વન્સી મળશે. છેલ્લા કેટલાક સમયથી એર ફ્રીક્વન્સી વધારવા જુદા જુદા સંગઠનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ રાજકોટથી મુંબઈ જવા માટે વહેલી સવારે કોઈ ફ્લાઈટ નહીં હોવાને કારણે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક વેપારીઓ-ઉદ્યોગકારોને મુશ્કેલી પડી રહી છે કારણ કે જો વહેલી સવારની ફ્લાઈટ શરૂ કરવામાં આવે તો સૌરાષ્ટ્રના વેપારીઓ સવારે મુંબઈ જઈને પોતાનું કામ પૂરું કરીને સાંજની ફ્લાઈટમાં રાજકોટ પરત ફરી શકે. સવારે મુંબઈની ફ્લાઈટ શરૂ કરવા ચેમ્બર સહિતની સંસ્થાઓએ માંગ કરતા ખાનગી એરલાઈન્સ કંપનીએ સવારની મુંબઈ સેવા શરૂ કરવા કાર્યવાહી હાથ ધરી છે. આગામી 19મીથી સવારની વધુ એક મુંબઈ સેવા સાથે મુંબઈની દરરોજ ત્રણ ફ્લાઈટ સંચાલિત થશે. તારીખ 19મીથી શરૂ થનાર રાજકોટ-મુંબઈ ફ્લાઈટ સવારે 11.20 કલાકે ટેકઓફ થઈ મુંબઈ બપોરે 12.20 કલાકે લેન્ડ થશે.