Site icon Revoi.in

ગુજરાતનો વધુ એક પ્લેયર હવે ટીમ ઈન્ડિયા માટે રમી શકશે,સાઉથ આફ્રિકાના પ્રવાસ માટે થઈ પસંદગી

Social Share

અમદાવાદ:સાઉથ આફ્રિકાના પ્રવાસ માટે ભારતીય ટીમની પસંદગી કરવામાં આવી છે. આ ટીમમાં પ્રિયાંદ પંચાલને તક મળી છે. બીસીસીઆઈ દ્વારા ગુજરાતના પ્રિયાંક પંચાલને રોહિત શર્માની જગ્યાએ ટીમમાં લેવામાં આવ્યો છે. વાત એવી છે કે રોહિત શર્મા પ્રેક્ટિસ દરમિયાન ઈજાગ્રસ્ત થતા સાઉથ આફ્રિકા સામે રમાનારી સિરિઝમાંથી બહાર થઈ ગયો છે.

જો વાત કરવામાં આવે ગુજરાતના ક્રિકેટરની ટીમ ઈન્ડિયામાં પસંદગીની તો ભારતીય ટીમમાં અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા, ચેતેશ્વર પૂજારા, જસપ્રિત બુમરાહ, કૃણાલ પંડ્યા, હાર્દિક પંડ્યા જેવા ખેલાડીઓ રમી જ રહ્યા છે અને હવે પ્રિયાંક પંચાલની પણ એન્ટ્રી થઈ છે.

ઉલ્લેખનીય છે કે પ્રિયાંક પંચાલને 18 સદસ્યોની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. પ્રિયાંક પંચાલનો પ્રથમ શ્રેણીની ક્રિકેટમાં શાનદાર રેકોર્ડ રહ્યો છે. અમદાવાદમાં જન્મેલો 31 વર્ષીય પ્રિયાંક 2016માં ગુજરાત તરફથી ત્રેવડી સદી ફટકારનાર પ્રથમ ખેલાડી બન્યો હતો. તે સિઝનમાં તેણે 1000 કરતાં વધારે રન નોંધાવ્યા હતા. આ ઉપરાંત તેણે 2016માં ભારતના તમામ બેટ્સમેનોને પાછળ રાખીને 1310 રન બનાવ્યા હતા અને 2018-19ની સિઝનમાં પણ તે 1114 રન બનાવીને પ્રથમ શ્રેણીની ક્રિકેટમાં બીજા ક્રમે રહ્યો છે.

પ્રિયાંકે ફર્સ્ટ ક્લાસ 98 મેચમાં અણનમ 314ના સ્કોર સાથે 45.63ની એવરેજ વડે 7011 રન બનાવ્યા છે. તેણે 24 સદી તથા 25 અડધી સદી ફટકારી છે. 13 વર્ષથી ગુજરાત માટે રમી રહેલો પ્રિયાંક પોતાની ટીમની બેટિંગનો આધારસ્તંભ બની ચૂક્યો છે. તેણે ભારત-એ ટીમ માટે પણ સતત સારો દેખાવ કર્યો હોવા છતાં તે સતત અવગણનાનો ભોગ બન્યો હતો.