Site icon Revoi.in

અમદાવાદ સહિત 18 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂમાં વધુ એક કલાકની રાહત, લગ્ન પ્રસંગમાં 100 વ્યક્તિઓ હાજરી આપી શકશે

Social Share

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા સરકારે કરફ્યુમાં અમદાવાદ સહિત 18 શહેરોમાં એક કલાકની છૂટ આપી છે એટલે હવે રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધી કરફ્યુ રહેશે. આ ઉપરાંત અગાઉ જે 36 શહેરોમાં રાત્રી કરફ્યુ જાહેર કરાયો હતો તેમાં હવે બાકીના 18 શહેરોને રાત્રી કરફ્યુમાંથી મુક્તિ આપવામાં આવી છે.

રાજ્યમાં અમદાવાદ સહિત આઠ મહાનગરપાલિકા અને વાપી, અંકલેશ્વર, વલસાડ, નવસારી, મહેસાણા, ભરૂચ, પાટણ, મોરબી, ભુજ અને ગાંધીનગર એમ કુલ 18 શહેરોમાં રાત્રિ કર્ફ્યુ સહિતના નિયંત્રણો ચાલુ રહેશે. આ 18 શહેરોમાં રાત્રી કર્ફ્યુનો સમય એક કલાક ઘટાડીને રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનો કરાયો છે. તેમજ રાજ્યના સિનેમાઘરો, મલ્ટીપ્લેક્ષ, ઓડિટોરિયમ 50 ટકાની ક્ષમતા સાથે ચાલુ કરી શકાશે. તેમજ લગ્ન પ્રસંગમાં 100 લોકો સુધી ઉપસ્થિત રહી શકશે. નવા નિયંત્રણો અને ગાઈડ લાઈનનો તા 27મી જૂનથી અમલ કરાશે.

આ 18 શહેરોમાં વ્યવસાયિક પ્રવૃત્તિ ધરાવતા સંચાલકો, માલિકો, સ્ટાફ સહિત તમામે આગામી 30 જૂન સુધીમાં વેક્સિન ફરજિયાત લેવાની રહેશે. રાજ્યના આ સિવાયના તમામ વિસ્તારોમાં વ્યવસાયિકો પ્રવૃત્તિ ધરાવતા સંચાલકો, માલિકો, સ્ટાફ સહિત તમામે આગામી 10 જુલાઇ સુધીમાં વેક્સિન ફરજિયાત લેવાની રહેશે.

આ 18 શહેરોમાં રેસ્ટોરન્ટ, હોટેલ્સ રાત્રે 9 વાગ્યા સુધી 60 ટકાની ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે. હોમ ડિલેવરી રાત્રે 12 કલાક સુધી ચાલુ રાખી શકાશે. આ 18 શહેરોમાં વ્યવસાયિક એકમો રાત્રિના 9 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે  તેમજ અંતિમક્રિયા અને દફનવિધિમાં 40 લોકોને છૂટ અપાઇ છે. જ્યારે સામાજિક-રાજકીય પ્રસંગો અને ધાર્મિક સ્થાનો પર હોલની ક્ષમતાના 50 ટકા અને મહત્તમ 200 લોકો ઉપસ્થિત રહી શકશે. વાંચનાલયોની ક્ષમતાના 60 ટકાને મંજૂરી આપવામાં આવી છે. જ્યારે GSRTCની બસોમાં 75 ટકાની ક્ષમતા સાથે દોડાવવાની છૂટ આપી છે. પાર્ક-ગાર્ડન રાત્રે 9 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે