નવી દિલ્હીઃ આજકાલ સ્માર્ટફોનમાં આગ અને બ્લાસ્ટના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. તાજેતરમાં જ મોબાઈલમાં આઠ વર્ષની બાળકી વીડિયો જોતી હતી ત્યારે અચાનક થયેલા બ્લાસ્ટથી ગંભીર રીતે ઘવાયેલી બાળકીનું મોત થયું હતું. આ ઘટના હજુ ભુલાઈ નથી ફરી એકવાર મોબાઈલ ફાટવાની ઘટના સામે આવી છે. કેરળમાં એક યુવાનના ખિસ્સામાં મુકાયેલા મોબાઈલમાં બ્લાસ્ટ થયો હતો. જેમાં યુવાન ગંભીર રીતે ધવાયો હતો. મોબાઈલ ફોનમાં બ્લાસ્ટની ઘટના કેરળના કોઝિકોડમાં બની હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર કેરળમાં રહેતો હરિસ રહેમાન નામનો યુવાન ભારતીય રેલવેમાં કોન્ટ્રાક્ટ ઉપર નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. યુવાન સવાલે ઓફિસ પહોંચ્યો હતો. દરમિયાન તેના ખિસ્સામાં રાખવામાં આવેલા મોબાઈલ ફોનમાં બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટથી યુવાનના પગના ભાગમાં ઈજા થઈ હતી. બ્લાસ્ટને પગલે નાસભાગ મચી ગઈ હતી. યુવકે આ ફોન બે વર્ષ પહેલા ખરીદ્યો હતો. ફોન અથવા બેટરી સાથે અન્ય કોઈ સમસ્યા ન હતી. મોબાઈલ ફોનમાં બ્લાસ્ટની ઘટના પોલીસ મથકમાં પહોંચ્યો હતો. યુવાને મોબાઈલ કંપની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હોવાનું જાણવા મળે છે.
સ્માર્ટફોનમાં ચાર્જરને લઈને બ્લાસ્ટમાં વધારો થયાનું જાણકારો માની રહ્યાં છે, મોબાઈલ ફોનનું ચાર્જર ખરાબ થતા મોટાભાગના લોકો ઝડપથી મોબાઈલ ફોન ચાર્જ થાય તેવુ ચાર્જર ખરીદી કરે છે. આ ચાર્જરને કારણે મોબાઈલ ફોન અને બેટરીને નુકશાન થયાનું મનાય રહ્યું છે, એટલું જ નહીં આવા ચાર્જરને પગલે મોબાઈલ બ્લાસ્ટની ઘટના બનતી હોવાનું જાણકારોનું માનવું છે.
(Photo-File)