અમદાવાદઃ શહેરના કાલુપુર રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2 ઉપર વર્ષ 2006માં બોમ્બ બ્લાસ્ટ થયો હતો. આ કેસમાં 14 વર્ષથી ફરાર મોહસીન નામના આતંકવાદીને એટીએસએ પૂણેથી ઝડપી લીધો હોવાનું જાણવા મળે છે. આરોપીની તપાસમાં અન્ય ખુલાસા થવાની શકયતા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કાલુપુર રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2 અને 3 ઉપર વર્ષ 2006માં બોમ્બ બ્લાસ્ટ થયો હતો. જેમાં અનેક લોકો ઘાયલ થયા હતા. પોલીસની તપાસમાં ગોધરાકાંડનો બદલો લેવા માટે આતંકવાદી સંગઠન લશ્કર એ તૈયબાએ બોમ્બ બ્લાસ્ટ કર્યો હોવાનું ખૂલ્યું હતું. આ કેસમાં તાજેતરમાં જ ગુજરાત પોલીસે પશ્ચિમ બંગાળથી અબ્દુલ રઝાક ગાઝી નામના આરોપીની ધરપકડ કરી હતી. અબ્દુલ રઝાકે આરોપીઓને બાંગ્લાદેશ બોર્ડરથી પાકિસ્તાન ભાગવામાં મદદ કરી હોવાનું ખૂલ્યું હતું. પોલીસની તપાસમાં અન્ય વિગતો પણ સામે આવી હતી.
દરમિયાન આ કેસમાં ફરાર આરોપી પૂણેમાં છુપાયો હોવાની માહિતીના આધારે ગુજરાત એટીએસની ટીમે તપાસ આરંભી હતી. અંતે મોહસીન નામના આરોપીને ઝડપી લીધો હતો. તેમજ તેને અમદાવાદ લાવવાની કવાયત આરંભી હતી. મોહસીન લશ્કર-એ-તૈયબાના ફ્રન્ટ લાઈન સાથે જોડાયેલો હોવાનું જાણવા મળે છે.