અમદાવાદઃ રેલવેના પ્રવાસી ટ્રાફિકમાં રોજબરોજ વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદ-મુંબઈ વચ્ચે વધુ ટ્રાફિક રહેતો હોવાથી વધુ એક વંદે ભારત ટ્રેન 12મી માર્ચને મંગળવારથી શરૂ કરવામાં આવશે. જે ગુજરાતને ચોથી વંદે ભારત ટ્રેનની ભેટ મળશે. 12મી માર્ચે અમદાવાદની મુલાકાતે આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ-મુંબઈ વચ્ચેની વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપીને પ્રશ્થાન કરાવશે
ગુજરાતને ચોથી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ભેટ મળશે. આ ટ્રેન અમદાવાદ- મુંબઈ રૂટ પર દોડશે. આ પહેલાં ગાંધીનગર-મુંબઈ, અમદાવાદ-જોધપુર અને અમદાવાદ-જામનગર રૂટ વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવામાં આવી હતી.આગામી 12 માર્ચને મંગળવારે અમદાવાદ – મુંબઈ વચ્ચે બીજી અને રાજ્યમાંથી ચોથી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ કરાશે. 12 માર્ચના રોજ નવી ટ્રેનને અમદાવાદથી વડાપ્રધાન મોદી લીલી ઝંડી આપી શકે છે. આ ટ્રેન સોમથી શનિ એટલે કે અઠવાડિયાના છ દિવસ દોડશે. રવિવારે મેન્ટેનન્સ માટે ટ્રેન બંધ રહેશે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં પહેલી વંદે ભારત ટ્રેન બરાબર એક વર્ષ પહેલા શરૂ કરવામાં આવી હતી. 30 સપ્ટેમ્બર 2022 ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ ગાંધીનગર-મુંબઈ સેન્ટ્રલ વચ્ચે દોડનારી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી હતી. ત્યારબાદ બાદ આ વર્ષે ગઈ તા. 7 જુલાઇના વડાપ્રધાને ગુજરાતને બીજી વંદે ભારત એક્સપ્રેસની ભેટ આપી હતી. આ ટ્રેન ગુજરાતના અમદાવાદને રાજસ્થાનના જોધપુર સાથે જોડે છે. હાલમાં આ ત્રણેય ટ્રેનો સફળતાપૂર્વક કાર્ય કરી રહી છે. આ અગાઉ સૌરાષ્ટ્રને જોડતી 24 સપ્ટેમ્બર 2023 વંદે ભારત ટ્રેન પણ શરૂ કરવામાં આવી છે. તેમજ અમદાવાદના સાબરમતી સ્ટેશનને સૌરાષ્ટ્રના જામનગર સાથે જોડતી ટ્રેન દોડી રહી છે. જે બાદ હવે સૌરાષ્ટ્ર પણ મુખ્યધારાના વિકાસથી વંચિત નહીં રહે તે માટે ટ્રેન શરૂ કરવામાં આવી હતી.