ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં સરકારી સંકલ્પની ચર્ચામાં સહભાગી થતા અન્ન પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ‘વન નેશન વન રાશન‘ના અમલીકરણથી ગુજરાતનો જરૂરિયાતમંદ નાગરિક ભારતના કોઈપણ અન્ય સ્થળેથી અનાજ મેળવી શકે છે. દેશભરમાં ‘વન નેશન-વન રાશન‘નું અમલીકરણ કરનાર પ્રથમ ચાર રાજ્યોમાં ગુજરાતનો સમાવેશ થાય છે. આજે અનેક રાજ્યોમાં તેનું અમલીકરણ થઈ ચૂક્યું છે.
તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે, કોરોનાના કપરાકાળમાં દેશના કોઈપણ જરૂરિયાતમંદ પરિવારને ભૂખ્યા ન સૂવું પડે તે માટે અમારી સરકારે વિનામૂલ્યે અનાજ આપવાની શરૂઆત કરી હતી. વડાપ્રધાનએ જાન્યુઆરી-2023થી આગામી પાંચ વર્ષ સુધી જરૂરિયાતમંદ પરિવારોને વિનામૂલ્યે અનાજ વિતરણ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
મંત્રી બાવળિયાએ જણાવ્યું હતું કે, વન નેશન વન રાશન કાર્ડ દ્વારા ભારતના કોઈપણ જરૂરિયાતમંદ નાગરિકોને દેશના કોઈ પણ ખૂણેથી આ કાર્ડનો લાભ મેળવી અનાજ લઈ શકશે. આ કાર્ડ એ.ટી.એમ. કાર્ડની જેમ કામ કરશે જેમાં દેશના કોઈ પણ ખૂણેથી માત્ર બાયોમેટ્રિક પદ્ધતિથી અનાજ મેળવી શકાશે. આ કાર્ડ માટે અલગથી કોઈ કાર્ડ બનાવવાની જરૂર નહિ રહે પરંતુ નાગરિકો પાસે જે રાશન કાર્ડ ઉપલબ્ધ છે તેના બાયોમેટ્રિકથી જ તે લિંક થઈ જશે.
મંત્રીએ ઉમેર્યું હતું કે, વન નેશન વન રાશન કાર્ડમાં બે પ્રકારની પોર્ટેબિલિટી છે. જેમાં પ્રથમમાં ભારતનાં કોઈપણ રાજ્યના નાગરીકને અન્ય રાજ્યમાંથી પણ આ કાર્ડના માધ્યમ થકી અનાજ મળી શકશે. જ્યારે બીજીમાં એક રાજ્યના કોઈપણ જિલ્લામાંથી કાર્ડ મેળવ્યું હશે તો પણ અન્ય જિલ્લા કે તાલુકામાંથી પણ અનાજ મળી શકશે.
ધારાસભ્ય અભેસિંહ તડવી દ્વારા વિધાનસભા ગૃહ ખાતે સંકલ્પ રજૂ કરવામાં આવ્યો હતો કે, દેશના જરૂરિયાતમંદ પરિવારોને ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળની વ્યાજબી ભાવની દુકાનેથી અનાજ વિતરણ કરવામાં આવે છે. નાગરિકો દેશના કોઇપણ ખૂણેથી અનાજ મેળવી શકે તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ‘વન નેશન વન રાશન‘નું અમલીકરણ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત રાજ્યના છેવાડાના નાગરિકો સુધી આ યોજનાનો લાભ પહોંચતો થાય તે માટે સંકલ્પ લેવામાં આવ્યો હતો.