પાટડી નજીક ટ્રક-ટ્રેલર વચ્ચે અકસ્માતમાં એકનું મોત, હાઈવે પર કલાકો સુધી સર્જાયો ટ્રાફિક જામ
સુરેન્દ્રનગરઃ જિલ્લામાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં વધુ બે અકસ્માતો સર્જાયા હતા જેમાં પાટડી તાલુકાના સાવડા પાસે ટ્રક અને ટ્રેલર વચ્ચે અકસ્માતમાં ટ્રેલર ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. આ ગોઝારા અકસ્માતના પગલે હાઈવે પર બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગતા પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ કાર્યવાહી હાથ ધરી છે. પાટડી પોલીસે બેથી ત્રણ કલાકની ભારે જહેમત બાદ ટ્રાફિક પુન: કાર્યરત કરવામાં આવ્યો હતો. જ્યારે બીજો અકસ્માતનો બનાવ ધ્રાંગધ્રા હાઈવે પર કાર અને રિક્ષા વચ્ચે સર્જાયો હતો. જેમાં રિક્ષામાં બેઠેલા 4 લોકોને ઈજાઓ થતાં ધ્રાંગધ્રાની હોસ્પિટલમાં ખસેડાયા છે.
પ્રથમ અકસ્માતની વિગતો એવી જાણવા મળી છે. કે, બેચરાજીથી માલવણ હાઈવે પર પાટડીથી જૈનાબાદ વચ્ચે અવારનવાર ગોઝારા અકસ્માતના બનાવો બને છે. ત્યારે બુધવારે વહેલી સવારે પાટડી નજીક પુરઝડપે આવતા ટ્રક અને ટ્રેલર વચ્ચે ધડાકાભેર ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટ્રેલર ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. આ અકસ્માતના બનાવની જાણ થતાં લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા. જ્યારે આ ઘટનાના પગલે પાટડી પોલીસે પણ તાકીદે ઘટનાસ્થળે દોડી જઈ મૃતક ચાલકની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પાટડી સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપી મૃતકના પરિવારજનોને જાણ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
આ ગોઝારા અકસ્માતના પગલે હાઈવે પર બંને બાજુ ચારથી પાંચ કિલોમીટર વાહનોની લાંબી કતારો લાગતા પાટડી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. પાટડી પોલીસે બેથી ત્રણ કલાકની ભારે જહેમત બાદ ટ્રાફિક પુન: કાર્યરત કરવામાં આવ્યો હતો. પાટડી પોલીસે આ ઘટનાના પગલે અકસ્માતે મોત અંગેનો ગુન્હો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે અકસ્માતનો બીજો બનાવ જિલ્લાના ધાંગધ્રા કુડા રોડ પર બાલા હનુમાન નજીક કાર અને રિક્ષા વચ્ચે સર્જાયો હતો. જેમાં રિક્ષા ચાલક સહીત ચાર લોકોને ગંભીર ઈજાગ્રસ્ત થતાં તત્કાલિક ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.