નવી દિલ્હીઃ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર દેહરાદૂનની મુલાકાતે છે ત્યારે તેમણે નેશનલ ઈન્ડિયન મિલિટરી કોલેજના કેડેટ્સને સંબોધિત કર્યા હતા. તેમણે કહ્યું કે જીવનમાં ક્યારેય નિષ્ફળતાથી ડરશો નહીં, તે સફળતા તરફનું એક પગલું છે. ડરની લાગણી તમારી પ્રતિભાના ઉપયોગ અને તમારી શક્યતાઓને વાસ્તવિકતામાં અવરોધે છે. હંમેશા યાદ રાખો કે ડર એ આપણી વૃદ્ધિની યાત્રાનો આવશ્યક ભાગ છે.
ઉપરાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, હંમેશા રાષ્ટ્રીય હિતને પ્રાધાન્ય આપો, ભારત માતા તમારી રાહ જોઈ રહી છે. રાષ્ટ્રનું ભવિષ્ય તમારા ખભા પર છે. જીવનની લડાઈ લડવા માટે આપણે પોતાનામાં હિંમત અને જ્ઞાન કેળવવું પડશે. જે લોકો પડકારનો સામનો કરીને જોખમ લે છે તેઓમાં હિંમત, પહેલ અને નેતૃત્વ હોય છે.
ચંદ્રયાન મિશનની સફળતાની ગાથાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે, ઐતિહાસિક ચંદ્રયાન મિશનને યાદ રાખો! ચંદ્રયાન 2 આંશિક રીતે સફળ રહ્યું હતું પરંતુ સંપૂર્ણ રીતે નહીં. કેટલાક માટે તે નિષ્ફળતા હતી અને જ્ઞાનીઓ માટે તે સફળતા તરફનું પગલું હતું. ગયા વર્ષે 23 ઓગસ્ટે ચંદ્રયાન 3 ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતર્યું હતું અને ભારત આ સિદ્ધિ હાંસલ કરનાર પ્રથમ દેશ બન્યો હતો.
તેમણે 10 ડિસેમ્બર 1962 ના રોજ RIMC કેડેટ્સ સમક્ષ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનનું ભાષણ પુનરોચ્ચાર કર્યું કે પૃથ્વી બહાદુર, ભાવનામાં મજબૂત લોકોની છે, અને આળસુ અને અસમર્થ લોકો માટે નહીં. પ્રતિસ્પર્ધા અને હરીફાઈની આ દુનિયામાં આપણે આત્મસંયમ અને બલિદાન સાથે જીવન જીવવું પડશે. આ મહાન આદર્શોને જીવનમાં અપનાવો.
કેડેટ્સને મુશ્કેલીઓના સમયમાં પણ અડગ ઊભા રહેવાની પ્રેરણા આપતાં ધનખરે કહ્યું, “મારા વહાલા યુવા કેડેટ્સ, તમારી અંગત અને વ્યાવસાયિક સફરમાં, તમે એવી ક્ષણોનો સામનો કરશો જે તમારી કસોટી કરશે.
ઉપરાષ્ટ્રપતિ ધનખરે RIMC અને સૈનિક શાળાઓમાં કન્યાઓની ભરતીની પ્રશંસા કરતા કહ્યું હતું કે, આ પગલાં લિંગ સમાનતા અને ન્યાય માટે નોંધપાત્ર પ્રગતિ દર્શાવે છે. અમારી મહિલાઓ ફાઇટર પ્લેનનું પાઇલોટિંગ કરી રહી છે, સ્પેસ મિશનને કમાન્ડ કરી રહી છે અને દરેક અવરોધ તોડી રહી છે. લોકસભા અને રાજ્યની વિધાનસભાઓમાં મહિલાઓ માટે એક તૃતીયાંશ અનામત ચોક્કસપણે ગેમ ચેન્જર સાબિત થશે.