Site icon Revoi.in

જે વ્યક્તિ પ્રકૃતિ સાથે જોડાયેલી રહેશે એ સ્વસ્થ રહેશે: રાજ્યપાલ

Social Share

ગાંધીનગરઃ ઑર્ગેનાઇઝર-વિક્લી દ્વારા ગુજરાત યુનિવર્સિટીના સહયોગથી અમદાવાદમાં આયુષ્યમાન ભવ:સંગોષ્ઠિનું આયોજન કરાયું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજે આ સંગોષ્ઠિનો શુભારંભ કરાવ્યો હતો. ભારતમાં સસ્તી, સુલભ અને સંપૂર્ણ સ્વાસ્થ્ય સેવા વિશે વિચાર વિમર્શ કરવા આયોજિત આ સંગોષ્ઠિના શુભારંભે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, જે વ્યક્તિ પ્રકૃતિ સાથે જોડાયેલી રહેશે એ સ્વસ્થ રહેશે. જે વ્યક્તિ પ્રકૃતિથી દૂર જશે તે અસ્વસ્થ રહેશે. દરેક વ્યક્તિએ પ્રકૃતિની વ્યવસ્થામાં વિશ્વાસ રાખવો જોઈએ. 

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, સ્વાસ્થ્ય એ જીવનની મહત્વપૂર્ણ વિદ્યા છે, ‘પહેલું સુખ તે નિરોગી કાયા‘. માનવ શરીર સ્વસ્થ હશે તો જ ધર્મ, અર્થ અને કામ વ્યવસ્થિત થશે. સ્વસ્થ શરીર જીવનની પહેલી આવશ્યકતા છે. માનવ જીવનને સુરક્ષિત કરીને તત્કાળ ઉપાય આપી શકે એ તમામ સ્વાસ્થ્ય સેવા ઉત્તમ છે. ઈલાજ તો ઉપલબ્ધ થઈ જશે પણ દરેક વ્યક્તિએ  પ્રયાસ એ કરવો જોઈએ કે બીમાર જ ન પડાય. 

આચાર્ય દેવવ્રતજીએ શાસ્ત્રનું ઉદાહરણ આપતાં કહ્યું કે, સ્વસ્થ રહેવા માટે ત્રણ ઉપાય આવશ્યક છે; મિત્ત ભૂખ, હિત ભૂખ અને ઋતુ ભૂખ. એટલે કે ભૂખ લાગી હોય તેનાથી ઓછું ખાવું, યોગ્ય માત્રામાં જમવું. શુદ્ધ-સાત્ત્વિક ખાવું. શરીર માટે હિતકારી હોય તે જ ભોજન લેવું. મોસમને અનુરૂપ ભોજન લેવું.ખ શરીર રોગોનું ઘર કહેવાય છે, પરંતુ સંયમ અને નિયમથી રોગમુક્ત બની શકાય છે. 

રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના બેફામ ઉપયોગથી આપણા અનાજ, શાકભાજી અને ફળ-ફળાદીમાં દ્વારા ધીમું ઝેર આપણા શરીરમાં જઈ રહ્યું છે. ધરતીમાં પોષક તત્વો જ નથી રહ્યા, પરિણામે અનાજ-શાકભાજીમાં પણ પોષક તત્વોની ઉણપ છે. વ્યક્તિનું પેટ તો ભરાય છે, પણ પોષણ મળતું નથી. એમ કહીને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સાન્નિધ્યમાં આખા ભારતમાં પ્રાકૃતિક ખેતી અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. શુદ્ધ, સાત્ત્વિક,ડ પ્રાકૃતિક અનાજ-શાકભાજી અને અન્ય કૃષિ ઉત્પાદનોથી ભૂમિ પુનઃ ફળદ્રુપ થઈ જશે. અનાજ સ્વાસ્થ્યપ્રદ થશે. ખેડૂતોનો ખેતી ખર્ચ શૂન્ય થઇ જશે. પર્યાવરણ પણ સુધરશે, પાણી બચશે અને લોકોનું કલ્યાણ થશે. તેમણે સ્વસ્થ-નિરોગી જીવન માટે દિનચર્યા યોગ્ય કરીને સંયમ અને નિયમ પાળવા લોકોને અનુરોધ કર્યો હતો.

ઑર્ગેનાઇઝર-વિકલીના સંપાદક પ્રફુલ કેતકરે સ્વાગત ઉદબોધનમાં કહ્યું હતું કે, ભારત દેશ આજે પ્રગતિશીલ બનીને સ્વદેશ તથા વિદેશોના પણ સેટેલાઈટ લૉન્ચ કરી રહ્યું છે. ભારતમાં સુલભ અને સસ્તી આરોગ્ય સેવાઓ પ્રાપ્ત કરવી હશે તો આ ક્ષેત્રના તમામ સહભાગીઓએ સાથે આવવું પડશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આ સંગોષ્ઠિમાં ઉપસ્થિત સૌ કોઈ સુલભ, સસ્તી અને સંકલિત આરોગ્ય સેવાઓ તથા લાઈફ સ્ટાઈલના પ્રશ્નોનું નિવારણ કરીને ભારતને આરોગ્ય ક્ષેત્રમાં આગળ લઈ જવાનો સંકલ્પ સિદ્ધ કરશે.

ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાએ પ્રસંગિક ઉદ્બોધનમાં કહ્યું હતું કે, રાજપાલ આચાર્ય દેવવ્રતજી હંમેશા વિદ્યાર્થીઓને પ્રકૃતિ અને મૂલ્ય સાથે જીવન જીવવા માટે પ્રેરિત કરે છે. આયુર્વેદિક પ્રણાલીમાં પ્રચલિત માનવ શરીરના પ્રકૃતિ આધારિત પાંચ તત્વો પૈકીના તત્વદોષને ઠીક કરવાથી મનુષ્યનું સ્વાસ્થ સારું થઈ શકે છે. મનુષ્યની પ્રકૃતિ જો ખરાબ હોય તો મનુષ્યના આહારમાં પરિવર્તન કરવાથી તે મનુષ્યની પ્રકૃતિ બદલી શકાય છે તેમ તેમણે ઉમેર્યું હતું. નાટ્યશાસ્ત્ર અને સાહિત્યના વિદ્યાર્થીની તરીકે નાટ્યશાસ્ત્રને તેઓએ એક મેડિકલ ટ્રિટી તરીકે દર્શાવી હતી અને નાટ્યશાસ્ત્ર સાઈકોસોમેટિક રોગોને નિવારવાનો ઉપાય દર્શાવે છે તેમ તેમણે જણાવ્યું હતું. આયુષ્માન ભવ:થીમ આધારિત આ કાર્યક્રમમાં તેમણે મેડિકલ અને સાયન્સના વિદ્યાર્થીઓને આ ક્ષેત્રમાં યોગદાન આપવા સજ્જતા કેળવવા અનુરોધ કર્યો હતો.