Site icon Revoi.in

ગુજરાતમાં કોરનાની એન્ટ્રીને એક વર્ષ પૂર્ણઃ અત્યાર સુધીમાં 2.71 લાખ દર્દીઓ થયાં સાજા

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસ ફરીથી ચિંતાજનક રીતે વધી રહ્યાં છે. ત્યારે ગુજરાતમાં કોરોનાનો પ્રથમ કેસ એક વર્ષ પહેલા તા. 19મી માર્ચના રોજ સુરત અને રાજકોટમાં નોંધાયો હતો. ત્યાર બાદ પોઝિટિવ કેસમાં વધારો થયો હતો. જો કે, છેલ્લા કેટલાક મહિનાઓથી કોરોનાનું સંક્રમણ ઘટ્યું હતું અને કેસમાં પણ ઘટાડો થયો હતો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ફરી એકવાર કોરોનાએ અજગર ભરડો લીધો હોય તેમ પોઝિટિવ કેસનો ગ્રાફ વધી રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 2.81 લાખ જેટલા પોઝિટિવ કેસ નોંધાયાં છે. જો કે, રાહતની વાત એ છે કે, 2.71 લાખથી વધારે દર્દીઓએ કોરોનાને મ્હાત આપીને સાજા થયાં છે.

સુત્રોના જણાવ્યા અનુસાર વર્ષે માર્ચ મહિનામાં દેશમાં પોઝિટિવ કેસ સામે આવ્યાં હતા. જ્યારે તા. 19મી માર્ચના રોજ ગુજરાતમાં કોરોનાના 3 કેસ સામે આવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું હતું. એક રાજકોટ અને સુરતમાં સામે આવ્યાં હતા. જો કે, મે મહિનાથી કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થયો હતો. એક વર્ષના સમયગાળા દરમિયાન સપ્ટેમ્બર મહિનામાં સૌથી વધારે 40959 પોઝિટિવ કેસ સામે આવ્યાં હતા. જો કે, ફેબ્રુઆરી મહિનામાં સૌથી ઓછા 8349 પોઝિટિવ કેસ સામે આવ્યાં હતા. રાજ્યમાં ડિસેમ્બર બાદ કોરોનાના કેસમાં ઘટાડો થયો હતો. જો કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થયો છે. ચાલુ મહિનામાં અત્યાર સુધીમાં રાજ્યમાં 11 હજારથી વધારે પોઝિટિવ કેસ સામે આવ્યાં છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના 2.81 લાખ જેટલા કેસ નોંધાયાં છે. જે પૈકી 2.71 લાખ લોકો સાજા થઈને હોસ્પિટલમાંથી ઘરે પરત ફર્યાં હતા. જ્યારે 4430 વ્યક્તિઓ કોરોના સામેની જંગ હાર્યાં હતા. હાલ રાજ્યમાં લગભગ 5310 જેટલા એક્ટિવ કેસ છે. જે પૈકી 61 દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે.