દેશનું વચગાળાનું બજેટ રજૂ થવામાં હવે થોડાક કલાકોનો સમય બચ્યો છે. લોકસભાની ચૂંટણી પહેલા રજૂ થઈ રહેલું આ બજેટ આર્થિક અને રાજકીય રીતે ઘણું મહત્વનું માનવામાં આવે છે. જો કે આ વખતે બજેટમાં થોડો ફેરફાર થયો છે. આ વખતે પહેલી ફેબ્રુઆરીએ નિયમિત નાણાં પ્રધાન અરુણ જેટલીના સ્થાને કાર્યવાહક નાણાં પ્રધાન પિયૂષ ગોયલ બજેટ રજૂ કરશે.
પરંતુ લોકસભાની ચૂંટણી પહેલાના વચગાળાના બજેટ પહેલા એ જાણવું બેહદ જરૂરી છે કે દેશ એક વર્ષમાં આર્થિક મોરચે આમ આદમી સાથે સંકળાયેલી બાબતોમાં કઈ જગ્યાએ ઉભો છે.
એક વર્ષમાં શેરબજારના હાલ
કેન્દ્રીય નાણાં પ્રધાન અરુણ જેટલીએ પહેલી ફેબ્રુઆરી-2018ના રોજ આખરી પૂર્ણ બજેટ રજૂ કર્યું હતું. આ બજેટથી પહેલા 31 જાન્યુઆરીએ સેન્સેક્સ 35 હજાર 970ના સ્તર પર હતો. તો નિફ્ટી 11020ના સ્તરને પાર કારોબાર કરી રહ્યો હતો. એક વર્ષ બાદ 31 જાન્યુઆરી, 2019ના રોજ સેન્સેક્સ 35 હજાર 750ના સ્તરે છે. જ્યારે નિફ્ટી લગભગ 50 અંકોની તેજી સાથે 10 હજાર 700ના સ્તર પર કારોબાર કરી રહ્યો હતો. જાણકારો મુજબ, આ બજેટ શેરબજારની ચાલને નિર્ધારીત કરનારું બનવાની શક્યતા છે.
એક વર્ષમાં રૂપિયાનું સ્વાસ્થ્ય
ગત વર્ષે બજેટ પહેલા 31 જાન્યુઆરી-2018ના રોજ ડોલરના મુકાબલે રૂપિયો 63.66ના સ્તર પર હતો. જ્યારે એક વર્ષ બાદ 31 જાન્યુઆરી-2019ના રોજ એક ડોલરની કિંમત 71.06 રૂપિયા જેટલી છે.
એક વર્ષમાં સોના-ચાંદીના ભાવતાલ
31 જાન્યુઆરી-2018ના રોજ સોનાની કિંમત 31 હજાર 230 રૂપિયા પ્રતિ દશ ગ્રામ હતી, તો એક વર્ષ બાદ તેનો ભાવ 34 હજાર 200 રૂપિયા પ્રતિ દશ ગ્રામ છે.
ચાંદીની વાત કરીએ, તો તેની કિંમત 31 જાન્યુઆરી-2018ના રોજ 42 હજાર 200 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતી. તે 31 જાન્યુઆરી-2019ના રોજ 41 હજાર 400 રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તર પર છે.
એક વર્ષમાં પેટ્રોલ-ડીઝલના રેટ
એક વર્ષ પહેલા 31 જાન્યુઆરીએ દિલ્હિમાં પેટ્રોલ 72.92 રૂપિયા પ્રતિ લિટર હતું, તો 2019માં 31 જાન્યુઆરીએ પેટ્રોલ પ્રતિ લિટર 71.09 રૂપિયા છે. ડીઝલની વાત કરીએ, તો 31 જાન્યુઆરી-2019ના રોજ દિલ્હીમાં તેની કિંમત 65.81 રૂપિયા પ્રતિ લિટર છે અને એક વર્ષ પહેલા તે દિલ્હીમાં આ જ દિવસે 64 રૂપિયા પ્રતિ લિટરની કિંમતે વેચાતું હતું.
એક વર્ષમાં એલપીજીમાં ચઢાવ-ઉતાર
જાન્યુઆરી-2018માં દેશની રાજધાની નવી દિલ્હી ખાતે સબસિડી સાથે એલપીજી સિલિન્ડરની કિંમત 495.64 રૂપિયા હતી. હાલ તેની કિંમત 494.99 રૂપિયા છે.
એક વર્ષમાં રેપોરેટ
આરબીઆઈએ જાન્યુઆરી-2018માં રેપોરેટને 6 ટકા પર યથાવત રાખ્યો હતો. જ્યારે હાલ તે 6.5 ટકા પર યથાવત છે. જો સરખામણી કરવામાં આવે તો એક વર્ષમાં 0.5 ટકા રેપોરેટ વધ્યો છે. સરળ ભાષામાં સમજીએ તો રેપો રેટના વધવાથી હોમલોનના ગ્રાહકો પર ઈએમઆઈનો બોજો વધી જાય છે. રેપોરેટના વધ્યા બાદ બેંક પણ લોન પર વ્યાજદરોને વધારે છે.
એક વર્ષમાં ફૂગાવાનો દર
આમ તો જાન્યુઆરીમાં મોંઘવારીના દરના આંકડા હજી આવ્યા નથી. પરંતુ ડિસેમ્બરથી સરખામણી કરવામાં આવે, તો જથ્થાબંધ કિંમતો પર આધારીત દેશનો વાર્ષિક ફૂગાવાનો દર ડિસેમ્બરમાં ઘટીને 3.80 ટકા રહ્યો હતો. જ્યારે એક વર્ષ પહેલા ડિસેમ્બર-2017માં આ આંકડો 3.58 ટકાના સ્તર પર આવી ગયો હતો. જો છૂટક વસ્તુઓના મોંઘવારી દરની વાત કરીએ, તો ડિસેમ્બરમાં તે 2.19 ટકા રહ્યો હતો. જ્યારે એક વર્ષ પહેલા 2017ના ડિસેમ્બરમાં ગ્રાહક મૂલ્ય સૂચકાંક આધારીત મોંઘવારીનો દર 5.21 ટકા હતો.