રાજકોટઃ રાજ્યમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિત ઘણીબધી યુનિવર્સિટીઓના કુલપતિઓની મુદત પૂર્ણ થઈ ગઈ છે. ઘણી યુનિવર્સિટીમાં તો કુલપતિની નિમણૂંક માટે સર્ચ કમિટી પણ બનાવવામાં આવી નથી. જોકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નવા કુલપતિ માટે સર્ચ કમિટી નીમી દેવાતા કમિટીએ તેની કામગીરી પણ શરૂ કરી દીધી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વર્તમાન કુલપતિ ડૉ. નીતિન પેથાણીની ટર્મ 6 ફેબ્રુઆરીના રોજ પૂર્ણ થઇ રહી છે. નવા કુલપતિ નિયુક્ત કરવા સર્ચ કમિટી કામગીરી કરી રહી છે પરંતુ જો વર્તમાન કુલપતિની ટર્મ પૂર્ણ થાય ત્યાં સુધીમાં નવા કુલપતિની સરકાર નિયુક્ત ન કરે તો યુનિવર્સિટીના કોઈ ડીનને કુલપતિનો ચાર્જ સોંપવામાં આવે છે ત્યારે હવે ઇન્ચાર્જ કુલપતિ બનવા માટે પણ ગોઠવણ શરૂ થઈ ગઈ હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સમયસર નવા કુલપતિ નિયુક્ત ન થાય તો મેડિકલ ફેકલ્ટીના ડીન અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના વાઈસ પ્રેસિડેન્ટ ડૉ. વિજય પોપટને કુલપતિનો ચાર્જ આપવા માટે ગોઠવણ થયાની યુનિવર્સિટી કેમ્પસમાં ચર્ચા જાગી છે અને આ માટે ડૉ. પોપટ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાથે પણ ગત સપ્તાહમાં ગુપ્ત બેઠક કર્યાનું જાણવા મળ્યું છે.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તો કરાર આધારિત પટાવાળા માટે પણ ગોઠવણ થાય છે, કરારી કર્મચારી, કરાર આધારિત પ્રોફેસરો માટે પણ અગાઉ ગોઠવણ કરવામાં આવતા વિવાદ થયો હતો અને હવે ઇન્ચાર્જ કુલપતિ બનવા માટે પણ ગોઠવણ શરૂ થતા યુનિવર્સિટીનું રાજકારણ ગરમાયું છે. નિયમ મુજબ વર્તમાન કુલપતિની ટર્મ પૂર્ણ થાય ત્યાં સુધીમાં નવા કુલપતિ નિયુક્ત ન થાય તો યુનિવર્સિટીના એકેડેમિક કાઉન્સિલના સભ્યો પૈકી સિનિયર ડીનને કુલપતિનો ચાર્જ સોંપવામાં આવે છે.