Site icon Revoi.in

દ્વારકાધિશ અને ડાકોરના રણછોડરાયજીના મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવની ચાલતી તડામાર તૈયારીઓ

Social Share

રાજકોટઃ સુપ્રસિદ્ધ દ્વારકાધિશ મંદિર, ડાકોરના રણછોડરાયજીનું મંદિર અને શામળાજીના મંદિરમાં જન્માષ્ટમીના પર્વની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જન્માષ્ટમી તથા ગણેશોત્સવના તહેવારો માટે રાજય સરકારે નવી માર્ગદર્શિકા જાહેર કરી દીધી છે તેમાં કેટલીક છૂટછાટો આપવામાં આવતાં હજારો-લાખો ભાવિકોએ રાહતનો શ્વાસ લીધો છે ધાર્મિક ઉત્સવોમાં ભાવિકો સામેલ થઈ શક્શે.

રાજયના રાજકોટ સહિત આઠ શહેરોમાં નાઈટ કરફયુ અમલી છે.તે 15 મી સપ્ટેમ્બર સુધી ચાલુ રાખવામાં આવ્યો હોવા છતાં જન્માષ્ટમીનાં એક દિવસ પુરતો તેનો અમલ રાત્રે એક વાગ્યાથી થશે એટલે 12 વાગ્યે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીમાં શ્રદ્ધાળુઓ સામેલ થઈ શકશે. જન્માષ્ટમીએ દ્વારકા, ડાકોર તથા શામળાજીના મંદિરે અઢીથી ત્રણ લાખ લોકો ઉમટતા હોય છે. આ વર્ષે પણ માનવ મહેરામણ ઉમટે તેવી શકયતા છે. કોરોના કેસો કાબુમાં હોવાથી ઉજવણીનો ઉત્સાહ છે. ગત વર્ષે કોરોના નિયમોને કારણે આ મંદિરો બંધ હતા એટલે આ વખતે કૃષ્ણ જન્મનો બમણો ઉત્સાહ છે. દેવભુમિ દ્વારકાના જિલ્લા કલેકટર પંડયાએ જણાવ્યું હતું કે, જન્માષ્ટમીએ દોઢ લાખ ભાવીકો ઉમટતા હોય છે. ગત વર્ષે કૃષ્ણ જન્મોત્સવમાં હાજરી શકય ન હતી એટલે આ વખતે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટે તેમ છે. લાઈવ દર્શન માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે, કોરોના ગાઈડ લાઈનનું સખ્ત પાલન કરાવવામાં આવશે.

શામળાજી મંદિરે દર્શનની લાઈનમાં ગોળ કુંડાળા કરવામાં આવ્યા છે અને ભીડ રોકવા બેરીકેડ લગાવવામાં આવ્યા છે. તમામ મંદિરોમાં માસ્ક પહેરવાનું ફરજિયાત રખાયું છે. પ્રવેશ તથા બહાર નીકળવા માટે એક-એક ગેઈટ, થર્મલ સ્ક્રીનીંગ વગેરે ગોઠવણો પણ કરવામાં આવી છે.