ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની નિકાસના પ્રતિબંધના વિરોધમાં હરાજી બંધ, ખેડુતોએ કર્યો ચક્કાજામ
રાજકોટઃ કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મુકતા ડુંગળીના ભાવમાં ઘટાડો થતાં ખેડુતોની હાલત કફોડી બની છે. સૌરાષ્ટ્રના તમામ માર્કેટ યાર્ડમાં ખેડુતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળી વેચવા માટે મોટી સંખ્યામાં ખેડુતો આવ્યા હતા. પણ વેપારીઓએ હરાજીમાં ભાગ ન લેતા ખેડુતો મુશ્કેલીમાં મુકાયા હતા. અને ડુંગળીની નિકાસબંધીના મુદે હલ્લાબોલ મચાવી ગોંડલ નેશનલ હાઈવે ચક્કા જામ કરી દેતા નેશનલ હાઇવેની બંને બાજુ બે થી ત્રણ કિલોમીટર સુધી વાહનોની લાંબી કતાર જામી હતી. દરમિયાન દોડી આવેલી પોલીસે ખેડૂતોને સમજાવી અટકી ગયેલો વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. બીજી બાજુ ખેડૂતોએ માર્કેટિંગ યાર્ડના મુખ્ય ગેટ પર એકઠા થઈ દરવાજા બંધ કરી યાર્ડમાં જતા વાહનોને અટકાવી રોષ વ્યક્ત કર્યો હતો. ખેડૂતોએ યાર્ડના ગેટ પાસે ઘેરાબંધી કરી સરકાર વિરોધી સૂત્રોચાર કર્યા હતા.
સૌરાષ્ટ્રમાં સૌથી મોટા ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં શુક્રવારે સવારે સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો ડુંગળીના જથ્થા સાથે પહોંચ્યા હતા. યાર્ડ દ્વારા ગતરાત્રિથી ડુંગળીની આવક શરૂ કરાતાં સવારે 55 થી 60 હજાર ડુંગળીના કટ્ટા સાથે ખેડૂતો યાર્ડમાં ઉમટી પડ્યા હતા. પરંતુ ગુજરાતભરના વેપારીઓએ ડુંગળીની નિકાસબંધીના મુદ્દે હરરાજીમાં ભાગ ન લેવાનો નિર્ણય લીધો હોય યાર્ડમાં સવારે હરરાજીના સમયે વેપારીઓ નહીં આવતા ખેડૂતો રોષે ભરાયા હતા અને યાર્ડની સામે નેશનલ હાઇવે પર પહોંચી ચકાજામ સર્જી દીધો હતો. હાઈવેની બંને બાજુ વાહનોના થપ્પા લાગ્યા હતા. ખેડુતોએ યાર્ડના ગેટને ઘેરાવ કરી ભાજપ સરકાર વિરોધી સૂત્રોચાર કરી હલ્લાબોલ બોલ મચાવ્યો હતો. બાદમાં વિફરેલા ખેડૂતોએ જીરુ, કપાસ, ઘાણા લસણ, ઘઉં જેવી જણસીઓની હરાજી અટકાવી હરરાજી બંધ કરાવી હતી. આમ ખેડૂતોએ ડુંગળીની નિકાસબંધી મુદ્દે સરકારની તીવ્ર આલોચના કરી ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ત્રણથી ચાર કલાક ઉગ્ર વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
રોષે ભરાયેલા ખેડૂતોએ જણાવ્યું હતું કે ડુંગળીનો ભાવ એક મણના રૂપિયા 700 થી 800 ચાલતો હતો. સરકારે એકાએક ડુંગળીની નિકાસબંધી કરી દેતા ભાવ ઘટીને રુ.200 થી 300 થતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતોને પ્રતિ 20 કિલોએ રૂપિયા 300 થી વધુની નુકસાની થઈ છે. હાલ ડુંગળીની સિઝન ચાલે છે ત્યારે સરકારે ખેડૂત વિરોધી નિર્ણય લઈ ખેડૂતોને મરવા મજબૂર કર્યા છે. ખેડૂતોએ રોષ પૂર્વક કહ્યું કે અમારે સરકારનું કંઈ પણ જોતું નથી અમારે સબસીડી પણ જોઈતી નથી ડુંગળીના પોષણક્ષમ ભાવ આપે તેવી અમારી માંગણી છે. સરકારે ડુંગળીની નિકાસબંધી કરી ખેડૂતોના ઘા ઉપર મીઠું ભભરાવાનું કામ કર્યું છે.