Site icon Revoi.in

સૌરાષ્ટ્રમાં ડુંગળીનું બમ્પર ઉત્પાદન : ભાવનગર યાર્ડમાં નવી ડુંગળીની આવક શરૂ

Social Share

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં ગત ચોમાસામાં સારા વરસાદને લીધે રવિપાકનું મબલખ ઉત્પાદન થયું છે. જેમાં ભાવનગર અને અમરેલી જિલ્લામાં ડુંગળીનું સારૂએવું ઉત્પાદ થયુ છે. ભાવનગર યાર્ડમાં ડુંગળીના આવક શરૂ થઈ ગઈ છે. મરેલી તથા ભાવનગર ડૂંગળી ઉત્પાદનના મોટા મથક છે. 40 ટકા સફેદ તથા 60 ટકા લાલ ડુંગળીનું ઉત્પાદન થાય છે. સફેદ ડુંગળીની મોટાભાગે નિકાસ થાય છે. કૃષિ વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ  88361 હેકટર જમીનમાં ડુંગળીનું વાવેતર થયુ છે. તે સરેરાશ 43846 હેકટર કરતા 201.53 ટકા વધુ છે. ગત વર્ષે 60547 હેક્ટરમાં વાવેતર થયુ હતું.

ભાવનગર જિલ્લામાં મહુવા અને તળાજા તાલુકામાં ડુંગળીનું સારૂએવું ઉત્પાદન થયું છે. ખેડુતોના કહેવા પ્રમાણે ગત ચોમાસામાં સારા વરસાદથી પર્યાપ્ત પાણી ઉપલબ્ધ હોવાથી વાવેતર વધુ થયુ છે.  મહુવા અને ભાવનગર યાર્ડમાં નવી ડૂંગળીની આવકના શ્રીગણેશ થઈ જ ગયા છે. વેપારીઓના કહેવા પ્રમાણે સફેદ ડૂંગળીની 25000 ગુણી તથા લાલ ડુંગળીની 50-60 હજાર ગુણીની આવક થાય છે. અત્યારે મણના ભાવ 400 થી 500 છે.તે ખાનગી આવક વધે ત્યારે 200 આસપાસ થઈ જવાનું અનુમાન છે. ગત વર્ષે ડુંગળીના ઉંચા ભાવ મળ્યા હતા. એટલે પણ ખેડુતોએ  ડુંગળીનું વાવેતર વધાર્યું છે. અમરેલી-ભાવનગર તથા રાજકોટનાં અમુક ભાગોની લાલડુંગળી ઘણી તીખી હોય છે. એટલે ગુજરાતમાં તેનો વપરાશ થતો નથી. આ ડુંગળીની ઉતર ભારતનાં પંજાબ, દિલ્હી, ઉતર પ્રદેશમાં ભારે ડીમાન્ડ હોય છે. ગુજરાતમાં મોટાભાગે મહારાષ્ટ્ર-કર્ણાટકની ડુંગળીનો વપરાશ થાય છે. દિલ્હી, હરિયાણા-પંજાબના વેપારીઓ પણ ડુંગળીની ખરીદી કરવા ભાવનગર આવી રહ્યા છે.(file photo)