રાજકોટઃ સૌરાષ્ટ્રમાં ચોમાસુ વિદાય લઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. પણ ભાદરવા મહિનામાં પડેલા ધોધમાર વરસાદને કારણે અનેક પાકોનું ધોવાણ થયું છે. જેના કારણે ખેડૂતો મોટી મુશ્કેલીમાં મુકાયા છે. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ખેડૂતોએ ડુંગળીના પાકનું વાવેતર કર્યું હતું. પરંતુ અતિ વરસાદે ડુંગળીના સંપૂર્ણ પાકનું ધોવાણ કર્યું છે અને ખેડૂતોને નુકસાનીનો ભાર સહન કરવાનો વારો આવ્યો છે.
સોરાષ્ટ્રમાં રાજકોટ જુનાગઢ, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સતત વરસાદને કારણે મગફળી અને કપાસના પાકને સારૂએવું નુકશાન થયું છે. જ્યારે રાજકોટના ધોરાજી પંથકમાં ડુંગળીના પાકને નુકશાન થયું છે. ધોરાજી તાલુકાના ફરેણી ગામના ખેડૂતોએ વાવેલા તમામ જાતના પાકો હાલ નિષ્ફ્ળ જવાના આરે છે, જેમાં ખાસ ડુંગળીનું વાવેતર કર્યું છે. તેઓની હાલત તો ખરાબ છે.
ખેડુતોના જણાવ્યા મુજબ સતત વરસાદને લઈને ડુંગળીના પાકને ખૂબજ નુકશાન થયું છે. સતત પાણીમાં રહેવાને કારણે ડુંગળીનો પાક નાશ પામ્યો છે. ડુંગળી જમીનની અંદર સડી રહી છે અને ડુંગળીનો પાક નિષ્ફ્ળ ગયો છે. એક તરફ મોંઘા બિયારણ, ખાતરનો ખર્ચ કર્યા બાદ વરસાદને લઈને પાક નિષ્ફ્ળ જતા ખેડૂતો અને ખેત મજૂરો માટે તો પાયમાલી જ હાથ લાગી છે.
ખેડૂતોએ વરસાદ પહેલા પાકના વાવેતર માટે મોટો ખર્ચ કર્યો હતો, પરંતુ ખેડૂતો પાક વાવેતરના ખર્ચાઓને અનરાધાર વરસેલા વરસાદે ધોઈ નાખેલ છે, અને મોટું નુકસાન કરેલ છે ત્યારે પાયમાલીના આરે આવેલા ખેડૂતો સરકાર પાસે હાથ જોડીને તેઓને થયેલા પાક નુકસાનનો સર્વે તાત્કાલિક કરાવે તેવી માગ સાથે તાત્કાલિક પાક નુકસાનનું વળતર આપે તેવી માગ અને આજીજી કરી રહ્યા છે. ખેડૂતો માટે વરસાદ ખુબજ મહત્વનો છે. સાથે જે કુદરતી આફત સામે સરકાર રક્ષણ આપે છે તે યોગ્ય સમયે આપે તો ખેડૂતોને તેના ભવિષ્ય માટે ઉપયોગી અને રક્ષણ સમાન છે અને જે ખેડૂતોને નુકસાનીમાંથી ઉગારવા માટે સહાય રૂપ બની શકે તેમ છે.