Site icon Revoi.in

કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસબંધી કરીને ખેડુતોની મુશ્કેલીમાં વધારો કર્યો છેઃ શક્તિસિંહ ગોહિલ

Social Share

ગારીયાધારઃ કોંગ્રેસ દ્વારા કાર્યકરો અને શુભ ચિંતકોનું સંમેલન યોજાયું હતું. જેમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલએ ભાજપ સરકારની ખેડુતો વિરોધી નીતિરીતિની ઝાટકણી કાઢતા જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસબંધી કરીને ખેડુતોને મુશ્કેલીમાં મુકી દીધા છે. સરકારે નિકાસબંધી પહેલા ડુંગળીના જે ભાવ હતા. તેને ટેકાનો ભાવ ગણીને ડુંગળીની ખરીદી કરવી જોઈએ. ખેડુતોને કપાસ સહિત પાકના પુરતા ભાવ મળતા નથી.

ગારીયાધાર ખાતે પટેલવાડીમાં કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ તથા શુભચિંતકોનું સંમેલન મળ્યું હતું. આ સંમેલનમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ  શક્તિસિંહ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા અને લોકપ્રશ્નોની વિગતથી ચર્ચા કરવામાં આવી હતી. શક્તિસિંહ ગોહિલે ભાજપ સરકારની ઝાટકણી કાઢતા જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રના ખેડૂતોને હાલમાં ડુંગળીના અત્યંત ઓછા ભાવ મળી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીની સરકારે નિકાસબંધી કરી હોવાના કારણે જે ખેડૂતોને લાંબા સમય પછી ખેતીમાં થોડો ફાયદો થાય તેમ હતો, તેનું સપનું રોળાઈ ગયું છે. કેન્દ્ર સરકારે નિકાસબંધી ઉઠાવી લઈને ખેડૂતોને ડુંગળીના પાકના પૂરતા ભાવ મળે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. અથવા તો નિકાસબંધી કરી તે પહેલાં ડુંગળીનો જે ભાવ મળતો હતો તે ભાવે ખેડૂતો પાસેથી ડુંગળી ટેકાના ભાવે ખરીદવી જોઈએ.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે,  ખેડૂતોને કપાસના પાકમાં પણ પુરતા ભાવ ન મળતા મુશ્કેલીઓ ઊભી થઈ છે. ભારતીય જનતા પાર્ટીની સરકારની નીતિ-રીતિઓના કારણે આજથી 10 વર્ષ પહેલાં જે ભાવ કપાસનો હતો તે જ ભાવ કપાસનો આજે ખેડૂતોને મળી રહ્યો છે, જેની સામે ખેડૂતોને ડીઝલ, ખાતર, બિયારણ વગેરે અનેકગણું મોંઘું થયું છે. ભાજપ સરકારે ખેડૂતોની આવક બમણી કરવાની વાત કરી હતી, પરંતુ હકીકતમાં ખેડૂતોની આવકમાં કોઈ વધારો થયો નથી, બીજીબાજુ ખેતપેદાશ માટે થતો ખર્ચ બમણો થઈ ગયો છે.

ગારિયાધારમાં યોજાયેલા કોંગ્રેસ પક્ષના સંમેલનમાં જેસર તેમજ સ્થાનિક આજુબાજુના વિસ્તારમાંથી અનેક નેતાઓ અને કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીને છોડીને કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા. આ સંમેલનમાં ભાવનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલ, અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રતાપભાઈ દુધાત, પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઈ રાઠોડ, શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગોવિંદભાઈ, તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મહાવીરસિંહ, કોંગ્રેસના આગેવાન પી. એમ. ખેની, દિવ્યેશભાઈ ચાવડા તેમજ આજુબાજુના કોંગ્રેસ પક્ષના તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.