અમદાવાદઃ ગુજરાતમાં રોજબરોજ ખાદ્ય ચિજવસ્તુઓના ભાવમાં વધારો થઈ રહ્યો છે. જો કે છેલ્લા સપ્તાહથી લીલા શાકભાજી અને સિંગતેલના ભાવમાં થોડા ઘટાડાથી લોકોને આંશિક રાહત મળી છે. પણ ગરીબોની કસ્તૂરી ગણાતી ડુંગળીએ તહેવાર પહેલાં જ લોકોને રડાવ્યા છે. એક જ અઠવાડિયામાં ડુંગળીનાં ભાવમાં એકાએક વધારો થયો છે. અને કિલોના ભાવ રૂપિયા 70એ પહોંચ્યા છે. ડુંગળીની માગ વધુ છે. અને આવકમાં ઘટાડો થતાં ભાવમાં વધારો થયો છે. આ ભાવવધારો પણ હજુ સ્થિર નથી. જે પ્રકારે મિશ્ર વાતાવરણનો અનુભવ થઈ રહ્યો છે તેના પરથી એવા અનુમાનો લગાવવામાં આવી રહ્યા છે કે આવનારા સમયમાં પણ હજુ ભાવવધારો થવાની શક્યતાઓ છે.
અમદાવાદ સહિત તમામ શહેરોમાં ડુંગળીના ભાવમાં વધારો થઈ રહ્યો છે. માત્ર એક સપ્તાહમાં જ ડુંગળી ડબલ ભાવે વેંચાઈ રહી છે. એક અઠવાડિયા પહેલાં રૂ. 35ની કિલો વેંચાતી ડુંગળી હવે રૂ. 70ની કિલો વેંચાઈ રહી છે. મહારાષ્ટ્રથી આવતા ડુંગળીના પુરવઠામાં ઘટાડો થતાં તેમજ સ્થાનિક લેવલે પણ ડુંગળીની આવક ઘટતા અને બીજીબાજુ માગ વધતા ભાવમાં વધારો થયો છે. જે વેપારીઓએ ડુંગળીનો સંગ્રહ કર્યો છે. એવા વેપારીઓ ભાવ વધતા ડુંગળીનો જથ્થો છૂટો કરી રહ્યા છે. અને દિવાળી સુધીમાં ડુંગળીના ભાવ કિલોએ 100 પહોંચશે એવું વેપારીઓનું માનવું છે.
ડુંગળીના જથ્થાબંધના વેપારીઓના કહેવા મુજબ હાલ ડુંગળીનાં ભાવમાં ખાસ્સો વધારો થયો છે. રિટેઇલમાં રૂ. 70 અને હોલસેલમાં રૂ. 50-55નાં ભાવ ચાલી રહ્યો છે. ચાલુ વર્ષે વેપારીઓએ સ્ટોક વધુ કરેલો નહોતો તેમજ વરસાદને કારણે માલને નુકસાન થયું હતું. ફક્ત એટલું જ નહીં નાસિકનાં માલની આવક પણ પૂરતા પ્રમાણમાં થતી નથી, જેને લઈને આ ભાવવધારો જોવા મળી રહ્યો છે. આગામી સમયમાં હજુ પણ ડુંગળીના ભાવ વધી શકે તેમ છે. અને સારી ગુણવત્તાની ડુંગળીનાં ભાવો રૂ. 100ની સપાટી આસપાસ પહોંચે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.